પાલનપુર : મેડિપોલીસ ખાતે રાજસ્થાન મેડીકલ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું


પાલનપુર:બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મેડિપોલીસ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજસ્થાન હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મેડીકલની આધુનિક સુવિધાઓથી સજ્જ હ્રદયના ઓપરેશન (બાયપાસ/ વાલ્વ) બાળકોના હ્રદયના, ફેફસાનાં, લોહીની નસોના ઓપરેશન અને સારવાર માટે સજ્જ રાજસ્થાન હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠાના હેડક્વાર્ટર પાલનપુર ખાતે સમગ્ર જિલ્લા અને રાજસ્થાનમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવતા હોય છે. ગુજરાતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર મેળવવા આવતા હોવાથી હવે મેડીકલ ક્ષેત્રમાં ગુજરાતથી મેડીકલ ટુરીઝમનો શબ્દ પ્રચલિત થયો છે.
પાલનપુર ખાતે ર્ડા. સુરેશ પટેલ, ર્ડા. ભાવેશ સોલંકી, ર્ડા. પાર્થ અને ર્ડા. વિશાલ ચૌધરી દ્વારા ક્રિટીકલ કેરની સારવાર માટે 50 બેડની અદ્યતન હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર દર્દીઓને મા કાર્ડ હેઠળ પણ સારવાર પુરી પાડવામાં આવશે. અહીં સારવાર લેવા આવનાર દર્દીઓ સાજા થઇ હસતા મોં એ પોતાના ઘરે પરત ફરે તેવી મંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. રાજસ્થાન હોસ્પિટલના ર્ડા. ભાવેશ સોલંકીએ જણાવ્યું કે, પાલનપુર શહેર અને જિલ્લાના લોકોને અમારી હોસ્પિટલમાં ઓ.પી.ડી. ઉપરાંત ન્યુરો સર્જન, કેન્સર સર્જન, આઇ.સી.યુ., જનરલ અને ગેસ્ટ્રો સર્જન, ડાયાલીસીસ, ઓપરેશન, ઓર્થોપેડીક સહિતની સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા અને નથાભાઇ પટેલ, જઇતાભાઇ પટેલ, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, ડીસા માર્કેયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, અગ્રણીઓ ગિરધરભાઇ ભીમાણી, વસંતભાઇ પુરોહિત, હોસ્પિટલના એમ.ડી. આકાશ શર્મા, લલિત ચૌધરી, શ્રવણ રાજપુરોહિત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એસ.એમ.દેવ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.