પાલનપુર : કંથેરીયા હનુમાન-વડલીવાળા પરાના ભંગાર રોડથી પ્રજા ત્રાહિમામ
પાલનપુર : પાલનપુર શહેર કંથેરીયા હનુમાન- વડલીવાળા પરાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસમાર હાલતમાં છે. આ માર્ગને લઈને વોર્ડના સદસ્યા અને રહીશોએ પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તેને સતત અવગણવામાં આવી રહી છે. જેને લઈને હવે આ વિસ્તારના લોકોએ નવરાત્રી પહેલાં આ માર્ગનું કામ જો શરૂ નહીં કરવામાં આવે તો ધરણા પર ઉતરવાની ચીમકી આપી છે. પાલનપુરનો કંથેરીયા હનુમાન વડલી વાળા પરા તરફનો રોડ અનેક રજૂઆતો બાદ પણ ભંગાર હાલતમાં છે. ચોમાસામાં લોકોએ ભારે હાલાકીઓ ભોગવી હતી. હવે આ રોડ બનાવવા માટે રહીશો આક્રમક બન્યા છે.
આ માર્ગ ઉપર પાલનપુર આજુબાજુના 50 ગામડાઓના લોકોની મોટા પ્રમાણમાં અવર-જવર રહતી હોય છે. આ વિસ્તારમાં કંથેરીયા હનુમાન, ખોડીયાર મંદિર અને ગુરુદ્વારા ધર્મસ્થાનો આવેલા હોવાથી ભાવિકોની પણ સતત અવર-જવર રહે છે. પરંતુ રોડની દુર્દશાને લઈને રહીશોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે શાળાના વિદ્યાર્થીઓને પણ પોતાના વાહનો હંકારવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આ અંગે પાલિકાના સદસ્યા આશાબેન રાવલએ પણ પાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ માર્ગની સમસ્યા ઉકેલવામાં પાલિકાએ કોઈ રસ પડ્યો હોવાનું જણાતું નથી.જેને લઈને જો પહેલી નવરાત્રી સુધીમાં માર્ગનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો આ વિસ્તારના રહીશો ધરણા યોજીને પાલિકાનો વિરોધ કરશે. તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
એજન્સી એ કામ પૂરું કર્યું નથી : આશાબેન રાવલ
પાલનપુર પાલિકાએ આ માર્ગના કામનું ટેન્ડર બહાર પાડ્યું છે. અને જે એજન્સીને કામ સોંપાયું હતું. તેને સમયસર કામગીરી પૂર્ણ કરી નથી. જેથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. હિન્દુત્વની વાતો કરતી સરકારે સમજવું જોઈએ કે જન્માષ્ટમી ની શોભાયાત્રા માં ભગવાન અને ભક્તોને આવા માર્ગો પરથી પસાર થવું પડ્યું હતું. જ્યારે ભાદરવી પૂનમના મેળાના પદયાત્રીઓને પણ આવા માર્ગ ઉપરથી ચાલવા મજબૂર થવું પડ્યું હતું. અમે છેલ્લી વોર્નિંગ આપી છે ત્યારબાદ અમે ધરણા કરીશું.