ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી

  • મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા
  • મહાશક્તિ યજ્ઞ, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

પાલનપુર 25 જાન્યુઆરી 2024: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. આજ રોજ પોષસુદ પુનમ એટલે આદ્યશક્તિ માં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પૂનમના મેળાને ખુલ્લો મુકાયો હતો. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પુનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં 55 થી વધારે યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપવાનો લ્હાવો લીધો હતો. માતાજીના પ્રાગટય દિવસના અનુસંધાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ભવ્ય જ્યોતયાત્રા શોભાયાત્રા યોજાઈ હતી. અને ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરવામાં આવી હતી.

શક્તિ દ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ જેમાં વિવિધ પ્રકારના રથો જોડાયા હતા. તો શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું તેમજ ચાચરચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષ સુદ પૂનમને શાક્મ્બરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અંતર્ગત અંબાજી મંદિરમાં શાકોત્સવ – શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં માઇભક્તો માટે નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.

મા અંબાના પ્રાગટય દિવસનો ઉત્સવ માઇ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટનાં વિવિધ સોશ્યલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર રોટરી કલબ ખાતે ‘ભાતીગળ પુસ્તક મેળા’ નો શુભારંભ

Back to top button