પાલનપુર : ડીસાના દશાનાવાસના ખેતરમાંથી ગાંજાના 1410 છોડનું વાવેતર ઝડપાયું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેતરમાં અન્ય પાકોના વાવેતર ની વચ્ચે ચોરી છુપી થી માદક પદાર્થ એવા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવી રહ્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર ડીસા તાલુકાના દશાનાવાસમાં આવેલા ખેતરમાં વાવેતર કરાયેલું ગાંજાના છોડનું મસમોટુ વાવેતર ઝડપાઈ ગયું છે. એસઓજી પોલીસે આ અંગે એક શખ્સની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એસ.ઓ.જી. ની ટીમે કરી કાર્યવાહી
આ અંગેની હકીકત એવી છે કે, બનાસકાંઠા એસ.ઓ.જી. પીઆઇ એમ. જે. ચૌધરી, સંજયસિંહ, આબાદ ખાન, રાધેશ્યામ સહિતનો સ્ટાફ ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન તેમને મળેલી માહિતીના આધારે દશાનાવાસ ગામની સીમના એક ખેતરમાં તપાસ કરતા માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતા આ ખેતરમાંથી ગાંજાના 1410 છોડ કે જેનું વજન 25 કિલો 50 ગ્રામ થાય છે. જ્યારે તેની કિંમત રૂ.2,50,500/- તેમજ અન્ય મુદ્દામાલ મળીને ₹2,51,300/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
જ્યારે ખેતરમાં વાવેતર કરનાર દેવાજી ઉર્ફે દેવીસિંહ ચતુરજી ઠાકોર સામે એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદી બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામડાઓમાં માદક પદાર્થનું સેવન થતું હોવાના કારણે અન્ય પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર થતું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :ફેસટાઇમ પર રચાયું હત્યાનું કાવતરું, જેલમાં બંધ અતીક અને અશરફ આઇફોનથી સંપર્કમાં હતા