પાલનપુર: ડીસા એરોડ્રામ શરૂ કરવા માટે સાંસદ અનાવાડીયાની રાજ્ય સભામાં રજૂઆત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના જુનાડીસાના વતની અને રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ રાજ્યસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં ઘણા સમયથી બંધ રહેલા ડીસાના એરોડ્રામને શરૂ કરવા માટે તેમણે રજૂઆત કરી હતી. આ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતનું એકમાત્ર ડીસાનું એરોડ્રામ છે. જ્યાં આઝાદી બાદ અંબિકા એરલાઇન્સ સર્વિસ ચાલુ હતી. ત્યારબાદ વાયુદૂત કંપનીએ પણ આ એરોડ્રામ શરૂ થાય તે માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ તે શરૂ થઈ શક્યું ન હતું.
અગાઉ અંબિકા એરલાઇન્સ ચાલતી હતી
અત્યારે એરોડ્રામની ચારે તરફની સંરક્ષણ દિવાલ કરાયેલી છે. હવાઈ પટ્ટી પણ તૈયાર છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના વેપારીઓ ડાયમંડ, બટાટા જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે. વળી બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ઐતિહાસિક એવા માં અંબા નું અંબાજી ખાતે શક્તિપીઠ પણ આવેલું છે.
જ્યાં વર્ષે દહાડે દેશ-વિદેશના લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે. આ એરોડ્રામ શરૂ થાય તો નજીકના જિલ્લા એવા પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા ના લોકોને પણ તેનો લાભ મળે તેમ છે.
તેમને આ એરોડ્રામ અંગેની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી 130 કિલોમીટર દૂર આવેલું છે. વળી દક્ષિણ રાજસ્થાનની આંતરરાજ્ય સીમા સાથે પણ જોડાયેલો જિલ્લો છે. રાજસ્થાનના સાંચોર, બાડમેર, પાલીના લોકો માટે પણ આ એરોડ્રામ શરૂ થાય તો ઉપયોગી બને તેમ છે. જેથી ડીસાની આ એરોડ્રામ શરૂ કરવામાં આવે તેવી સાંસદ દિનેશભાઈ અનાવાડીયા એ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવીને માગણી કરી હતી.
આ પણ વાંચો :IND vs AUS 1 ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા 178 રનમાં જ ઓલઆઉટ, જાડેજાએ કર્યો કમાલ