રાષ્ટ્રપતિની ચૂંટણી: ક્રોસ વોટિંગમાં પાલનપુરના ધારાસભ્યનું નામ ઉછળ્યું, ધારાસભ્યનો ઇનકાર
ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુંની જીત થઈ છે. જેમાં ગુજરાતમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાનમાં 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા છે. જેમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.
પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલનું નામ ક્રોસ વોટિંગમાં ઉછળ્યું
કોંગ્રેસના આગેવાન સી. જે. ચાવડાએ આ અંગે કમિટી રચી ક્રોસ વોટીંગ કરનારા કોંગ્રેસના સાત ધારાસભ્યની ઓળખ કરી તેનો રિપોર્ટ હાઈ કમાન્ડને મોકલવામાં આવશે તેમ જણાવ્યું છે. જોકે આ સાત ધારાસભ્યએ કરેલા ક્રોસ વોટિંગમાં ક્યા ક્યા ધારાસભ્યો છે. તેની હજુ ઓળખ થાય તે પહેલા જ પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલનું નામ ક્રોસ વોટિંગમાં ઉછળ્યું છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.
ધારાસભ્ય મહેશ પટેલે પોતે ક્રોસ વોટિંગ કર્યાનો ઇનકાર કર્યો
જો કે આ સમગ્ર ઘટનામાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પોતે ક્રોસ વોટિંગ કર્યાનો ઇનકાર કર્યો છે અને પક્ષના આદેશ અનુસાર વોટીંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. ક્રોસ વોટિંગની વાત ખોટી હોવાનો જણાવીને તેઓ કોંગ્રેસ સાથે પ્રમાણિકતા પ્રમાણે કામ કર્યું છે, અને કરતા રહેશે તેમ ઉમેર્યું હતું. પરંતુ હાલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગના મુદ્દે બનાસકાંઠાના સ્થાનિક રાજકારણનો માહોલ ગરમ બની ગયો છે.