પાલનપુર : ડીસામાં પરંપરાગત રીતે ઉજવાયો સામૂહિક ગણેશ વિસર્જન


પાલનપુર : ડીસા શહેરમાં ગણેશ સ્થાપન બાદ સામૂહિક રીતે ગણેશ વિસર્જન કરવાની પરંપરા ચાલી આવી છે. મંગળવારે જલઝીલણી અગિયારસના પવિત્ર દિને સામૂહિક ગણેશ વિસર્જન કરાયું હતું. ડીસાની બનાસ નદીમાં પાંચ વર્ષ બાદ પાણી આવતા શહેરીજનોએ ભારે હર્ષોલ્લાસ વચ્ચે ડીસામાં જ નદીમાં ગણેશ વિસર્જન કરવાવામાં આવ્યું હતું.
આ વર્ષે ડીસામાં વિવિધ મહોલ્લા,સોસાયટીઓ, જાહેર ચોક તેમજ શોપિંગ કોમ્પલેક્ષોમાં મળી લગભગ 500 જેટલી જગ્યાએ સામૂહિક ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના લઈ જલઝીલણી અગિયારસ સુધી દરેક જગ્યાએ ગણેશજીની મહા આરતી,ભજન સંધ્યાઓ,ગરબા રાસ સહિતના ભક્તિ સભર કાર્યક્રમ યોજાયા બાદ જલઝીલણી અગિયારસના પવિત્ર દીને ગણેશજીનું સામુહિક રીતે વિસર્જન કરવામાં આવ્યું.
જલઝીલણી અગિયારસની શોભાયાત્રા
ડીસામાં શહેરના મોટા રામજી મંદિરેથી જલઝીલણી અગિયારસની શોભાયાત્રા નીકળે છે.જેમાં વિવિધ ગણેશ મંડળો પોતાના દ્વારા સ્થાપિત કરાયેલા ગણપતિની મૂર્તિ લઈને યાત્રામાં જોડાય છે. ત્યારબાદ બનાસનદીમાં ગણપતિનું સામુહિક વિસર્જન કરવામાં આવે તેવી પરંપરા રહી છે.
જોકે છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ નદીમાં પાણી ન હોવાથી લોકો દાંતીવાડા ડેમ, વિશ્વેશ્વર,બાલારામ જેવી જગ્યાઓએ જઈ ગણેશ વિસર્જન કરતા હતા. ત્યારે આ વર્ષે બનાસ નદીમાં પાંચ વર્ષ બાદ પાણી આવતા શહેરીજનોએ ભારે આંનદોલાલ્સ વચ્ચે ડીસામાં જ ગણેશ વિસર્જન કરવાનો લ્હાવો મળ્યો હતો.