પાલનપુર : ડીસાની જેનાલ મંડળીના સંચાલકોએ દૂધ અને બનાસદાણ બારોબાર વેચી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ
- મંડળીના પૂર્વ મંત્રીએ ત્રણ લોકો સામે હાઇકોર્ટમાં અરજી કરી
પાલનપુર : ડીસા તાલુકાની જેનાલ દૂધ ઉત્પાદક મંડળીમાં સંચાલકોએ ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જે મામલે મંડળીના પૂર્વ મંત્રીએ ત્રણ લોકો સામે હાઇકોર્ટમાં અરજી કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ડીસા તાલુકાની ધી જેનાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેકિંગ દરમિયાન દૂધમાં ઘટ અને ડેરીના સંચાલકોએ ભેગા મળી ગેરરીતી આચરી ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ છે. જેમાં બનાસડેરી દ્વારા મંડળીમાં ચેકિંગ કરતા દૂધમાં ઘટ હોવાનુ જણાયું હતું અને ત્યારબાદ 20 ડીસેમ્બર’22 ના રોજ સ્પેશિયલ ઓડિટ થતાં તેમાં નાણાકીય ગેરરીતી આચરી 8.39 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું ઓડિટમાં બહાર આવ્યું હતું.
આ સમગ્ર ગેરરીતિ મામલે જેનાલ દૂધ મંડળીના પૂર્વ મંત્રી અજમલજી પરમારે મંડળીના પૂર્વ ચેરમેન સોમાજી પરમાર, કોમ્પ્યુટર ઓપરેટર રાઘવજી ઠાકોર, પારગી પરમાર, વક્તાજી પરમાર અને ધુડાજી પરમાર સામે આગથળા પોલીસ મથકે 15 દિવસ અગાઉ લેખિત ફરિયાદ આપી હતી પરંતુ તેમને તપાસમાં કોઈ સંતોષ ન જાણતા તેમણે ન્યાય માટે હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ મામલે મંડળીના પૂર્વ મંત્રી અજમલજી પરમારે જણાવ્યું હતું કે, મંડળીના સંચાલકોએ જ દૂધ અને બનાસદાણ બારોબાર વેચી તેમજ નાણાંની ઉચાપત કરી ગેરરીતિ આચરી છે. જે મામલે પોલીસ મથકે ફરિયાદ કરી હતી પરંતુ તપાસ થતા તેમને ન્યાય માટે હવે હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાની SCW હાઇસ્કુલનું નામ બદલી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું નામ આપવા માંગ