ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા લાડલી ગિફ્ટ યોજનામાં 7 દિકરીઓને રૂ. 25-25 હજારની અપાઈ ભેટ

પાલનપુર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા કલાનિધિ ટ્રસ્ટ, કાણોદર આયોજીત કાર્યક્રમમાં પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર આર. એન. પંડ્યાના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં 8 દિકરીઓને રૂ. 25-25 હજારની ફિક્સ ડીપોઝીટની ભેટ આપવામાં આવી હતી. ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા મિત્ર વર્તુળ- પરિવાર, મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લાં 12 વર્ષથી નિયમિત પાંચ શ્રેષ્ઠ દિકરીઓને લાડલી ગીફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ 7 દિકરીઓને અધિક કલેકટરના હસ્તે વ્યક્તિગત રૂ. 25,000/- ની લાડલી ગિફ્ટની ફિક્સ ડિપોઝીટ અપાઇ હતી તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર નારી રત્નો, જેમાં દાંતા ટ્રાયબલ વિસ્તારમાં મેડીકલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ સેવા આપનાર ર્ડા. નિશા ડાભી અને દિકરી વધામણાનું કાર્ય કરનાર અંકિતાબેન મહેશ્વરી તથા બેચરભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

ટ્રસ્ટ અને દાતાઓની સેવાકીય પ્રવૃત્તિઓને અધિક કલેકટર આર.એન.પંડ્યાએ બિરદાવી

ગિફ્ટ યોજના-humdekhengenews

આદિજાતિ વિસ્તારમાં સિકલસેલ એનિમીયા ધરાવતી બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી. આ સંસ્થામાંથી સૌ પ્રથમવાર એફ.ડી. મેળવનાર દિકરી ધ્રુવી પ્રતિકભાઇ મિસ્ત્રીનું સાફો પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને માન- સન્માન આપવાનો છે. મહિલા ધારે તો શું ન કરી શકે તેના વિવિધ ઉદાહરણો આપતા તેમણે જણાવ્યું કે, દાનવોના સંહાર માટે મા દુર્ગાએ શક્તિનું સ્વરૂપ ધારણ કરી તેમનો નાશ કર્યો હતો.

નારી રત્નો ર્ડા. નિશા ડાભી અને અંકિતાબેન મહેશ્વરીનું સન્માન કરાયું

તેમણે મહિલાઓને દુષણો સામે અવાજ ઉઠાવવાનું આહવાન કરતા કહ્યું કે, ઘર, પરિવાર કે સમાજમાં ક્યાંય શોષણ થતું હોય તો મહિલાઓએ અવાજ ઉઠાવવો જોઇએ. ભગવાન બુધ્ધે પણ કહ્યું છે કે, આપણા દુઃખોનું મૂળ આપણે પોતે જ છીએ. જો આપણે આપણી જાતને મદદ કરીશું તો જ બધા લોકો આપણી મદદમાં આવશે. મહિલાઓ પર થતાં અત્યાચારો અને સતામણી અટકાવવા માટે સરકાર દ્વારા 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

તેના પર સંપર્ક કરીને પણ મુશ્કેલીના સમયમાં મદદ મેળવી શકાય છે. તેમણે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને દાતાઓની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, અંતરીયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને તેમના પરિવારને લાભ મળે તે માટે કામ કરતી સંસ્થા અને દાતાઓને અભિનંદન પાઠવી દાતાઓ પણ આવા સેવાકાર્યોમાં ઉદાર હાથે ફાળો આપે છે તેની સરાહના કરી હતી.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં મહિલા કલાનિધિ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિબેન હાડાએ જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી દાતાઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી શરૂ કરવામાં આવેલ લાડલી ગિફ્ટ યોજનામાં આજ સુધીમાં 57 જરૂરીયાતમંદ દિકરીઓને ફિક્સ ડિપોઝીટનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રમકડા બેંક, યાત્રાધામ અંબાજીથી શરૂ કરાયેલ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટની સુવાસ સરહદી વિસ્તાર નડાબેટ સુધી ફેલાઇ છે.

શું છે લાડલી ગિફ્ટ યોજના

માસુમ ફુલની કળી જેવી નવજાત ત્યજી દેવાયેલ દત્તક દિકરીઓ જેના માતા-પિતા કોઇ ગંભીર બિમારીથી પિડાતા હોય, અશક્ત, દિવ્યાંગ હોય અથવા જેના માતા-પિતાનું આકસ્મિક અવસાન થયું હોય તેવી એકથી પાંચ વર્ષની દિકરીઓના જીવનમાં ઉજાસ પાથરવા મુંબઇ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દાતાઓની ઉમદા ભાવના મુજબ લાડલી ગિફ્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તે દિકરીઓનું તેમના પરિવારમાં લક્ષ્મીરૂપે સન્માન થાય તેમજ રૂ. 25,000/- ની રકમ તે દિકરીઓના નામે ફિક્સ ડિપોઝીટ મુકવાથી 18 વર્ષની થાય ત્યાં સુધીમાં મળનારી આ રકમનો ઉપયોગ દિકરીઓના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ કે દિકરીના આરોગ્યને લગતો કોઇ ખર્ચ કરવાનો થાય તે માટે આ લાડલી ગિફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો :સૌરભ ભારદ્વાજ અને આતિશીએ દિલ્હીના મંત્રી તરીકે શપથ લીધા

Back to top button