ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં બહુચર ગ્રૂપ દ્વારા મહા રક્તદાન કેમ્પ, રેકોર્ડબ્રેક 500 યુનિટ રક્ત એકત્રિત કરાયું

Text To Speech
  • ડીસાના બે યુવાનોએ લોકોમાં જાગૃતિ લાવવા રક્તદાન શિબિર યોજી

પાલનપુર : રક્ત એક એવી વસ્તુ છે જે કોઈ ફેક્ટરીમાં બનતું નથી. અને જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે. તેની પૂર્તિ માત્ર રક્તદાન થકી જ થઈ શકે છે. ત્યારે ડીસાના બે યુવાનોએ આ અમૂલ્ય રક્ત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું અને તેમાં 500 યુનિટ કરતાં પણ વધારે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓમાં લોકોનો જીવ રક્તની અછતના લીધે જતો હોય છે. ત્યારે રક્તની આ અછત દૂર થાય અને દરેક લોકો રક્તદાન કરવા માટે જાગૃત બને તે માટે ડીસા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસા ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 450થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કરીને વિક્રમ સર્જી દીધો હતો. રક્તદાન કરવા આવેલા રક્તદાતાઑમાં રક્તદાન પ્રત્યે ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને ભેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

ડીસાના વિજય ઠાકોર અને કનુ ઠાકોર (સોલંકી) દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પની એક વિશેષતા એ પણ હતી કે, આ રક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત થશે તે રક્ત જ્યારે કોઈ જરૂરિયાત મંદને જરૂર પડશે ત્યારે કોઈ પણ પ્રકારના લેબ ચાર્જ લીધા વગર એકદમ નિ:શુલ્ક આપવામાં આવશે. આ ઉપરાંત લેબોરેટરીનો પણ જે ચાર્જ થશે તે આ બંને યુવાનો દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત રક્તદાન કરનાર દરેક દાતાને પુરસ્કાર તેમજ તેમના માટે વીમાકવચની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. આટલા ઉમદા હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ પહોંચીને રક્તદાન કર્યું હતું. અને રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી. આ અંગે કેમ્પના આયોજક કનું સોલંકી અને વિજય ઠાકોરે જણાવ્યું હતું કે, આજના સમય માં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે અને સરળતાથી જરૂરી એવું લોહી મળી રહે તેવો અમારો હેતુ છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ સાચવજો! આગામી બે દિવસ રાજ્યના આ શહેરોમાં હીટવેવની આગાહી

Back to top button