પાલનપુર: કારમાં રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો દારૂ ડીસા પાસેથી ઝડપાયો
પાલનપુર: ડીસા તાલુકા પોલીસે ડીસાના ભડથ ગામ નજીકથી રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતી સેન્ટ્રો કારને ઝડપી લઇ દારૂ સહિત રૂ 1,37,680 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે. બંને શખ્સો રાજસ્થાનથી દારૂ ભરીને અમદાવાદ લઈ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
રૂ. 28,680 ના દારૂ સાથે 1.37 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં લાવવામાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય હાઈવે રોડ ઉપરાંત નાના અંતરિયાળ માર્ગોનો ઉપયોગ થાય છે. જેમાં પાંથાવાડા તરફથી વિદેશી દારૂ ભરીને એક સેન્ટ્રો કાર ડીસાના ભડથ રોડ પર આવી રહી હોવાની બાતમી ડીસા તાલુકા પોલીસને મળતા તાલુકા પોલીસની ટીમે ભડથ અને ડાવસ ગામ વચ્ચે આવેલા બેચરી માતાના મંદિર પાસે નાકાબંધી ગોઠવી હતી. જેમાં બાતમી મુજબની ગાડી આવતા તેને રોકાવાનો પ્રયાસ કરતા ડ્રાઇવરે ગાડી ભગાડી મૂકી હતી. જોકે ડ્રાઇવરએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી થોડે આગળ ચોકડીમાં જઈ ઝાડ સાથે અથડાઈ હતી. જેમાંથી બે શખ્સો ઉતરીને ભાગવા જતાં પોલીસે તેમને ઝડપી લીધા હતા.
અમદાવાદના બે શખ્સો રાજસ્થાન થી અમદાવાદ દારૂ લઈ જતા હતા
પોલીસે તેમના નામ પૂછતા અમદાવાદનો રાણીપમાં રહેતો જયેશ ઉર્ફે ભજીયો અમૃતભાઈ સોલંકી તેમજ ખાનપુરમાં રહેતો કિરીટ મોહનલાલ પુરાણી હોવાનું તેમજ ગાડીની તપાસ કરતા અંદરથી દારૂ અને બિયરના ટીન મળી 67 બોટલો કિંમત રૂપિયા રૂ. 28,680 નો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ. 1,00,000 ની સેન્ટ્રો કાર તેમજ બે મોબાઈલ અને દારૂ સહિત કુલ રૂપિયા 1,37,680 નો મુદ્દા માલ જપ્ત કરી બંને શખ્સોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો :પાલનપુર: ડીસા એરોડ્રામ શરૂ કરવા માટે સાંસદ અનાવાડીયાની રાજ્ય સભામાં રજૂઆત