બનાસકાંઠા :પાલનપુર લીઝ ધારકોની દુકાનોના ભાડામાં રૂ. 288 વધારો કરાતા વેપારીઓમાં રોષ


- વેપારીઓ દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ
- યોગ્ય નિર્ણય નહીં આવે તો પાલનપુર બંધ પાળવાની ચીમકી
બનાસકાંઠા 20 જુલાઈ 2024 : પાલનપુર નગરપાલિકાની કારોબારીની બેઠકમાં પાલિકાની લીજ પર આપેલી દુકાનો ના ભાડામાં અંદાજિત માસિક રૂપિયા 288 જેટલો વધારો કરવાનો ઠરાવ કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેથી વેપારીઓ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે. જો રજૂઆતના અંતે કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી પાલનપુર બંધ પાળવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકા કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ અને નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં પાલિકા ખાતે ગુરુવારે કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં જુદા જુદા નવ મુદ્દાઓ ને વંચાણે લેવામાં આવ્યા હતા જેમાંથી મુખ્ય મુદ્દો એ હતો કે, પાલનપુર નગરપાલિકા હસ્તકની 1200 જેટલી લીજ પર આપેલી દુકાનો માસિક ભાડુ ફૂટે રૂપિયા 4.60 જેટલું લેવામાં આવે છે. જેમાં રૂ. 2 નો વધારો કરી નવા વર્ષથી ફૂટે રૂપિયા 6.60 કરવામાં આવતો ઠરાવ કરવામાં આવ્યો છે. જેથી પાલિકા દ્વારા કાચી પાકી દુકાનોમાં માસિક રૂપિયા 120 થી 288 જેટલા ભાડામાં વધારો કરવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી વેપારીઓએ શુક્રવારે નગરપાલિકા કારોબારી ચેરમેન સમક્ષ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને જો રજૂઆતના અંતે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ પાળી વિરોધ કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.
વેપારીઓની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે : અશોકભાઈ મહેશ્વરી
વેપારી એસોસિયેશનના આગેવાનો દ્વારા કારોબારી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી જેથી ચેરમેન દ્વારા વેપારીઓની રજૂઆત સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો :