ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી ભાદરવી મહામેળામાં ચાલતા લાખો માઇભક્તો…

Text To Speech

પાલનપુર : અંબાજી ભાદરવી પૂનમનો મહામેળામાં લાખો માઇભક્તો પદયાત્રા કરીને માં અંબા ના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. તા. 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તા. 29 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દુર સુદુરથી ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રધ્ધાળુઓ દુરદુરથી અંબાજી આવી રહ્યા છે.

બનાસકાંઠા કલેકટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલની સુચના અને માર્ગદર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. દાંતા-અંબાજી તરફના રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી એસ. ટી. બસોની સુવિધાઓ જોઇને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યાં છે. કલેકટરના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવા માટે પુરતી સંખ્યામાં બસો હોવાથી અંબાજીમાં અતિશય ભીડ પણ નિવારી શકાઇ છે. આવી સરસ સુવિધાને લીધે યાત્રિકો કાયમી સંભારણા સાથે પોતાના માદરે વતન સરળતાથી પરત ફરી રહ્યા છે.


અંબાજી મંદિરની વિવિધ રોશનીથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ ૫૧ શક્તિપીઠોના દર્શન કરી માઇભક્તો ધન્ય બની રહ્યા છે. તા. 29 સપ્ટેમ્બર પૂનમનો દિવસ ભાદરવા મેળાનો છેલ્લો દિવસ છે. આ દિવસે નિયમિત પૂનમ ભરતા શ્રધ્ધાળુઓ પણ સારી સંખ્યામાં ઉમટવાની ધારણા છે.

રોશની અને લાઇટીંગથી અંબાજી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા

અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજી નગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે.

આ પણ વાંચો : વ્હાલી દીકરીના વધામણાં: માઇભક્ત મુકેશભાઈની દીકરી જન્મની બાધા પૂર્ણ થતાં મા અંબાને 201 ફૂટની ધજા ચડાવશે

Back to top button