પાલનપુર : જૂનાડીસાના નિવૃત્ત પિતાના રૂ. 29.92 લાખ પુત્રએ ઓનલાઇન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી કાઢી મૂક્યા
- રેલવેમાં નોકરી કરતા હતા કાંતિભાઈ મજીરાણા
- પિતાના પેન્શન અને ગ્રેજ્યુટીના નાણાં આવતા પુત્રની મતી ફરી
- લોહી રેડીને ઉછેરેલા દીકરાએ જ છળ – કપટ કર્યું
- ઘરમાંથી કાઢી મુકતા માતા – પિતાએ બીજા પુત્રના ઘરે લીધો આશરો
પાલનપુર : રૂપિયા જોઈને સગા પુત્રની પણ મતી ફરી ગઇ અને નિવૃત્ત પિતાના પેન્શન અને ગ્રેજ્યુટીના નાણાં પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી માતા-પિતાને રઝળતા કરી દીધાં હતા. આવી પરિવારિક સબંધોને દાગ લગાવતી ઘટના ડીસા તાલુકાના જુના ડીસામાં સામે આવી છે. અહી એક સગા પુત્રએ પોતાના પિતાને લાખ્ખો રૂપિયાનો ચૂનો ચોપડી પિતાની જીવનભરની પરસેવાની કમાણી લૂંટી લીધી છે. આટલું ઓછું હોય તેમ પિતાને ખબર પડતાં માતા અને પિતા બંનેને ઘરમાથી કાઢી મૂક્યા છે. આ ઘટના બાદ માનસિક રીતે પડી ભાગેલા વૃધ્ધ માત -પિતાએ ન્યાય મેળવવા માટે પોલીસનો સહારો લેવો પડ્યો છે.
ગમગીન આંખો અને લાચાર અવસ્થા ધરાવતા કાંતિભાઈ માજીરાણાએ પોતાનું સમગ્ર જીવન રેલ્વેમાં ટ્રેક મેન તરીકે નોકરી કરીને વિતાવ્યું છે. હજારો મુસાફરોની રેલ્વે મુસાફરીને સુરક્ષિત બનાવવા માટેની મોટી જવાબદારી કાંતિભાઈ માજીરાણા પર હતી. તે રેલ્વેના ટ્રેક પર ફરીને રેલ્વેના ટ્રેકનું સતત નિરીક્ષણ કરતાં હતા અને ક્યાય ખામી દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરતાં, જેથી ટ્રેન ટ્રેક પર જતી અટકાવીને તેનું સમારકામ થઈ શકે. આખી જિંદગી આ કામ કર્યા બાદ તાજેતરમાં તેઓ સેવા નિવૃત્ત થયા હતા. કાંતિભાઈ સેવા નિવૃત્ત થતાં રેલ્વે વિભાગ દ્વારા તેમની કામગીરીના ભાગરૂપે ગ્રેજયુટીની રકમ ચૂકવવામા આવી હતી. કાંતિભાઈ તેમના મોટા દીકરા મહેશ માજીરાણા પાસે રહેતા હતા. અને પોતાના દીકરા પર ભરોસો હોવાના લીધે કાંતિભાઈ તેમના બેન્કનું એ.ટી.એમ. પણ મહેશને રાખવા આપ્યું હતું. પરંતુ મહેશના દિમાગમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું.
મહેશે તેના પિતા કાંતિભાઈના ખાતામાં ગ્રેજયુટીની જમા થયેલી રકમ યુ.પી.આઈ.ની મદદથી ધીરે ધીરે ઉઠાવવાનું શરૂ કરી દીધું.અને જોત જોતામાં લગભગ 29 લાખ 92 હજાર જેટલી રકમ ઉઠાવી નાંખી હતી.બાદમાં જ્યારે કાંતિભાઈને નાણાંની જરૂરિયાત થઈ ત્યારે બેન્કમાં તપાસ કરી ત્યારે તેમના ખાતામાં ગ્રેજયુટીની કોઈ જ રકમ ના મળી. એટ્લે કાંતિભાઈએ અમદાવાદ રેલ્વે વિભાગ પર રૂબરૂ પહોંચીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, રેલ્વે દ્વારા કાંતિભાઈની ગ્રેજયુટીની રકમ તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવી હતી. જેથી કાંતિભાઈ બેન્ક પર પહોંચીને બેન્ક મેનેજરને વાત કરી, ત્યારે બેન્ક મેનેજરે તપાસ કરી તો કાંતિભાઈના ખાતામાં રકમ જમા તો થઈ હતી પરંતુ યુ.પી.આઈ.ની મદદથી પ્રકાશ માજીરાણા નામના વ્યક્તિના ખાતામાં અલગ અલગ ટ્રાંજેકશનથી ટ્રાન્સફર કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. જેથી બેન્ક મેનેજરે આ હકીકત કાંતિભાઈને જણાવતા કાંતિભાઈ તેમના દીકરા મહેશ પાસે પહોંચીને પૂછતાં મહેશે ઉશ્કેરાઈ જઈ પિતા કાંતિભાઈ અને માતા શારદાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરેથી કાઢી મૂક્યા હતા. જેથી લાચાર અને નિ:સહાય બનેલા કાંતિભાઈ અને શારદાબેન તેમના નાના દીકરા પ્રકાશ સાથે અત્યારે ભાડાના મકાનમાં રહે છે. પોતાની જીવનભરના પરસેવાની કમાણીને આ રીતે છેતરીને તેમના મોટા પુત્રએ છીનવી લેતા અત્યારે આ વૃધ્ધ દંપતી નિ:સહાય બની ગયું છે. અને મદદ માટે ન્યાયની માંગ કરી રહ્યું છે.
મહેશે લાખોની છેતરપિંડી આચરીને હડધૂત કર્યા
દુનિયામાં માતાને સહુથી વધુ પ્રીત તેના સંતાનથી હોય છે. શારદાબેન માટે પણ કઈક આવું જ છે. શારદાબેને પોતાનું લોહી રેડીને તેમના પુત્ર મહેશનો ઉછેર કર્યો હતો. પરંતુ યુવાન થયા બાદ મહેશે તેનો બદલો લાખ્ખોની છેતરપિંડી આચરી અને હડધૂત કરીને ચુકાવ્યો છે.
કાંતિભાઈની વ્યથા સાંભળીને પોલીસ પણ ચોંકી
આ સમગ્ર મામલે લાચાર કાંતિભાઈ માજીરાણાએ ન્યાય મેળવવા માટે પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા છે. અને ડીસા તાલુકા પોલીસ મથક પહોંચી તેમની સાથે બનેલી ઘટના અંગે તેમના જ પુત્ર મહેશ માજીરાણા સામે પોલીસ ફરિયાદ આપી છે.કાંતિભાઈની વ્યથા સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.અને આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષકે પણ આ ઘટનાને દુ:ખદ ઘટના જણાવી છે. કાંતિભાઈને ન્યાય અપાવવાની ખાતરી આપી છે. જ્યારે આપણી મહેનતની એક દિવસની કમાણી પણ ખોવાઈ જાય છે ત્યારે આપણે દુ:ખી થઈ જતાં હોઈએ છીએ. ત્યારે કલ્પના કરો કે કાંતિભાઈ માજીરાણાની જીવનભરના પરસેવાની કમાણી તેમના જ દીકરાએ છેતરીને લૂંટીને કાંતિભાઈને ઘરેથી કાઢી મૂક્યા છે ત્યારે તેમની મનોદશા કેવી હશે. જે સંતાન તેને જન્મ આપનાર માતા – પિતાનો જ ના થાય તે જીવનમાં બીજા સાથે કેટલી વફાદારી નિભાવી શકે..?
આ પણ વાંચો : 135 લોકોના મોત થયા તો શું! જયસુખ પટેલે 100 પુણ્ય કર્યા છે