પાલનપુરઃ બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કેરિયર એકેડમી હૉલનું ઉદ્દઘાટન
- આજના સમયની માંગ પ્રમાણે સ્કિલ આધારિત કોર્ષને મહત્વ આપીશુ તો આસાનીથી નોકરી મેળવી શકાશે: બલવંતસિંહ રાજપૂત
પાલનપુર, 24 ડિસેમ્બર: રાજપૂત સમાજ મિલ્કત ટ્રસ્ટ અંબાજી અને શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ પાલનપુર દ્વારા નવનિર્મિત શ્રી સરસ્વતી કેરિયર એકેડમી હૉલનું ઉદ્દઘાટન અને સ્નેહ મિલન સમારોહ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ‘સમાજના વિકાસ માટે અર્થદાન અને શ્રમદાન આપનાર દાતાઓનું સન્માન કરું છું’. તેમણે કહ્યું કે, ‘આજે 21મી સદીમાં જમાનો ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે, આ જમાનો જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે ત્યારે જમાના પ્રમાણે ચાલીશું તો ચોક્કસ આગળ વધી શકીશું’. તેમણે ઉમેર્યું કે, ‘આજે એમ.એ., બી.એડ. અને પી.એચ.ડી. કર્યા પછી પણ નોકરી મેળવવા માટે ફરવું પડે છે પરંતુ આજના સમયની માંગ પ્રમાણે સ્કિલ આધારિત કોર્ષને મહત્વ આપીશુ તો આસાનીથી નોકરી મેળવી શકાશે. ધોરણ 10 અને 12 પછી આઈ.ટી.આઈ. માં ડ્રોન ટેકનોલોજી સહિતના વિવિધ કોર્ષ ચાલી રહ્યા છે એ કોર્ષ કરીને ટૂંકાગાળા રોજગારી મેળવી શકાય છે. આજે આધુનિક રીતે ખેતી કરીને પણ સારી આવક મેળવી શકાય છે. સેમિકન્ડકટર ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે એ દિશામાં આગળ વધવાની જરૂર છે’. આ ઉપરાંત યુવાનોને રોજગારી મળેએ માટે રોજગાર મેળાનું આયોજન કરવાનું મંત્રીએ સૂચન કર્યુ હતું.
આ પ્રસંગે શ્રી સરસ્વતી કેરિયર એકેડમી હોલના ઉદ્દઘાટક પરમ પૂજ્ય સંત આનંદનાથજી મહારાજે આશીર્વચન પાઠવતા કહ્યું કે, ‘રાજપૂત સમાજના શિક્ષણ માટે આ સમાજના આગેવાનોએ કરેલા શ્રમ અને મહેનતને પરિણામે સમાજ આજે પ્રગતિ કરી રહ્યો છે. ભારત વિશ્વગુરુ બને એ દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે ત્યારે આપણા યુવાનો તમામ ક્ષેત્રોમાં આગળ વધે એ જરૂરી છે. ધર્મના નામે ભેગા થયેલા રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ’.
વધુમાં તેમણે કહ્યું કે, ‘ભગવાન કૃષ્ણએ આપેલો કર્મયોગ અપનાવી હંમેશા બીજાના ભલા માટે કામ કરતા રહીએ. આ દેશમાં ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ભગવાન રામના વનવાસ દરમિયાન રાજા ભરતે આપ્યો હતો એ પ્રમાણે સમાજ માટે ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરવું જોઈએ’.
આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે, આ સંસ્થાનો પાયો નાંખનાર વડીલોને વંદન કરું છું કે આવી સરસ સંસ્થાનું નિર્માણ કર્યુ છે. આજે શરૂ કરવામાં આવેલ શ્રી સરસ્વતી કેરિયર એકેડમી સમાજના વિકાસમાં ખુબ ઉપયોગી સાબિત થશે. તેમણે રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યોજાનાર રામ કથામાં પધારવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું.
આ પ્રસંગે રાજપૂત સમાજ મિલ્કત ટ્રસ્ટ અંબાજીના પ્રમુખ સામંતસિંહ સોલંકી, વનવાસી ઉત્કર્ષ મંડળ, ભચડીયાના પ્રમુખ એલ. કે. બારડ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સમાજના અગ્રણીઓ સર્વ સી. જી. રાજપૂત, ભરતસિંહ સોલંકી, ડી. ડી. રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, ઉદયસિંહ રાજપૂત, ડી. એમ. રાજપૂત, કાળુજી સોલંકી, અજલમસિંહ પરમાર, નિરૂબા રાજપૂત, મોડસિંહ રાજપૂત, ટી. પી. રાજપૂત, રૂપસિંગભાઈ રાજપૂત સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા : ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ