પાલનપુર : વડગામના મોરિયામાં ગામતળની જમીન ઉપર દબાણ કરી પચાવી પાડવાની પેરવી
- લેન્ડ ગ્રીબિંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવા માંગ ઉઠી *ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી
- શાંતિનો ભંગ થાય તે પહેલા પગલાં લેવા રજૂઆત
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી પડેલી સરકારી જમીન પચાવી પાડવાની અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ છે. જેને લઈને અવાર નવાર ઘર્ષણની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વડગામ તાલુકાના મોરિયા ગામમાં પણ ગામ તળની આવેલી જમીન પચાવી પાડવાની પેરવી શરૂ થતા ગ્રામજનો લાલચોળ થયા છે. જેમને જિલ્લા વિકાસ અધિકારી અને સરકારના લાગતા વળગતા વિભાગને રજૂઆત કરી છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં મોરીયા ગામ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં જૈન પરિવારોનો વસવાટ છે. અહીંના એક વિસ્તારના લોકો ગામની ગામતળ ની જગ્યામાં વર્ષોથી અવરજવર કરતા હતા. તે જગ્યા ઉપર સિમેન્ટના થાંભલાઓ લગાવી તારની વાડ કરી ફેન્સીંગ કરવામાં આવ્યું છે. અને ગેરકાયદેસર રીતે તેના ઉપર દબાણ કરાતા ગ્રામજનો ભડક્યા હતા. આ જગ્યા ઉપર અન્ય ધર્મના લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.
જે જગ્યાએ સિમેન્ટના થાંભલા ઊભા કરી તારની વાડનું ફેંસિંગ કરી સમગ્ર જગ્યાને કોર્ડન કરવાની પેરવી થઈ રહી છે. જેથી ગ્રામજનોએ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને ટીડીઓ તેમજ લાગતા વળગતા વિભાગને લેખિતમાં રજૂઆત કરી પગલા ભરવાની માંગ કરી છે. ગ્રામજનોએ આ દબાણના કારણે ધાર્મિક વિગ્રહનું કારણ બને તેવી ભિતી પણ વ્યક્ત કરી છે. જેથી ગુનાહિત કૃત્ય કરનારા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને અશાંતધારા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો તેમ નહીં કરાય તો ગ્રામજનોએ સંઘર્ષમાં ઉતરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આથી તંત્રએ વહેલી તકે આગોતરા પગલાં લેવા આવશ્યક હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની હરાજીના પ્રથમ દિવસે થઈ 5000 બોરીની આવક