પાલનપુર : ડીસાના જુનાડીસા ગામે બકરીનું દૂધ આપવા મામલે અજાણતા હત્યા થઈ
પાલનપુર : ડીસા તાલુકાના જુનાડીસા ગામે અઠવાડિયા અગાઉ થયેલી વૃદ્ધની હત્યાનો ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. જેમાં બકરીનું દૂધ આપવા મામલે થયેલી બબાલમાં અજાણતા વૃદ્ધની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. ડીસા તાલુકા પોલીસે હત્યારા યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા શામળભાઈ ઠાકોર અઠવાડિયા અગાઉ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પોતાના ઘરે પહોંચ્યા હતા. જેથી ઇજાગ્રસ્તને પરિવારજનોએ સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાથે ફેક્ચર હોવાથી સારવાર કરાવી તેઓ ઘરે પરત ગયા હતા. પરંતુ બીજા દિવસે અચાનક તેમના માથાના ભાગે દુખાવો ઉપાડતા તેઓ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક ડીસા અને ત્યાં થી પાલનપુર ખસેડ્યા હતા, પરંતુ તેમની હાલત વધારે નાજુક હોવાથી તેઓને અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
જેથી તેમના પરિવારજનોએ શામળભાઈની હત્યા થઈ હોવાની ફરિયાદ કરી હતી. જોકે શામળભાઈ ઇજાગ્રસ્ત થયાના અઠવાડિયા સુધી પોલીસ મથકે આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી. પરંતુ અચાનક તેમની હત્યા થઈ હોવાનું જાણવા મળતા જ ડીસા તાલુકા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી, પરંતુ ત્યાં સુધી મારનારા લોકો અંગે કોઈને જાણ નહોતી કે તેમના પરિવારજનોને પણ કોને માર્યું અને કઈ તે હત્યા થઈ તે અંગે કોઈ જાણકારી હતી નહીં. જેથી ડીસા તાલુકા પીઆઇ એસ. એમ. પટણીએ પોતાની સુજબુજથી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી. તે દરમિયાન મૃતક શામળભાઈને કોઈ બકરાવાળા જોડે બબાલ થઈ હોવાનું માલુમ પડ્યું. જેથી પોલીસે જુનાડીસા ગામે રહેતા બકરાવાળાઓની ખાનગી રાહે તપાસ શરૂ કરી.
તે દરમિયાન ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સહદેવ દેવીપુજક નામના યુવક પર શંકા ગઈ અને પોલીસે તેની જીણવટભરી તપાસ કરતા આખરે આરોપી પડી ભાગ્યો હતો. અને મૃતકે તેની પાસે બકરીનું દૂધ માગ્યું હતું પરંતુ દૂધ ન હોવાના કારણે મૃતકે તેની સાથે બબાલ શરૂ કરી હતી. અને ધક્કા મૂક્કીમાં શામળભાઈ પડી જતા તેમને માથાના અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. બાદમાં સહદેવ દેવીપુજક ત્યાંથી ચાલ્યો ગયો હતો. આમ મૃતક ઝપાઝપી માં પડી જતા અને માથાના ભાગે ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાત: મોંઘવારીથી પીડાતી જનતા માટે રાહતના સમાચાર