પાલનપુર : ડીસામાં પતિએ બીજા લગ્ન કરવા પત્નીને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મૂકી


- પરિણીતાએ પતિ, જેઠ અને જેઠાણી સામે નોંધાવી ફરિયાદ
પાલનપુર : ડીસામાં બીજા લગ્ન કરવા માટે પત્નીને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. દહેજ માગી પતિને માર મારી કાઢી મુકતા પીડીત પરિણીતાએ પતિ, જેઠ અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભદ્રામલી ગામની એક યુવતીના લગ્ન છ વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના સામઢી ગામના જીતુસિંગ સોલંકી સાથે થયા હતા. દાંપત્ય જીવન દરમિયાન તેમને અત્યારે 16 માસની એક દીકરી પણ છે. શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ચાલ્યા બાદ છેલ્લા ઘણા સમયથી જીતુસીંગ તેની પત્નીને વારંવાર હેરાન કરતો હતો
અને બીજા લગ્ન કરવાનું કહી પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તે સમયે આ યુવતીના જેઠ, જેઠાણી પણ તેના પતિને ચડામણી કરતા તેનો પતિ વધુ ઉશ્કેરાતો હતો. બાદમાં જીતુસિંગે ત્રણ ચાર લાફા મારી દહેજની માંગ કરી તેની પત્નીને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ જાણ કરતા તેના પિયરીયાઓ આવી તેને લઈ ગયા હતા. જે મામલે પીડિતાએ તેના પતિ અને જેઠાણી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ : SG હાઈવે પર કારના કાચ તોડી લાખોની ચોરી, કારમાંથી ચોરી કરતી ગેંગનો આતંક