પાલનપુર : બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં આમુલ પરિવર્તન લાવવા બંધારણમાં કરાયા સુધારા
- લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરવા અને વ્યસન મુક્ત સમાજ નું નિર્માણ કરવા કવાયત
- શ્રી સદારામ બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમાજે કર્યો મહત્વનો નિર્ણય
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ વસે છે. આ સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચને બંધ કરવા અને સમાજમાં પ્રવર્તતા વ્યસનોમાંથી મુક્તિ મળે તે માટે ઠાકોર સમાજના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભાભર તાલુકાના લુણસેલા ગામ ખાતે સંત શિરોમણી બ્રહ્મલીન શ્રી સદારામ બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન લેવામાં આવ્યો હતો.
જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા ઠાકોર સમાજમાં આમૂલ પરિવર્તન લાવવા માટે ઠાકોર સમાજના બંધારણમાં 11 જેટલા સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત રહેલા સંતો અને ઠાકોર સમાજના આગેવાનોએ આ સુધારા લાવવા માટેના સૂચનો કર્યા હતા. જે ગેનીબેન ઠાકોરે સમાજના લોકો સમક્ષ તેને વાંચી અને સમજ આપી સંભળાવ્યા હતા. આ સુધારાઓને ઉપસ્થિત રહેલા ઠાકોર સમાજના લોકોએ હાથ ઉંચા કરીને સમર્થન પૂરું પાડ્યું હતું. અને તેના અમલ માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. જેમાં ઠાકોર સમાજમાં લગ્ન પ્રસંગમાં ડીજે સાઉન્ડનો ખોટો ખર્ચ બંધ કરી તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે લગ્ન પ્રસંગે જે ઓઢામણું કરવામાં આવે છે તેને રોકડમાં આપવો જોઈએ તેવું પણ ઠરાવવામાં આવ્યું હતું. જ્યારે લગ્ન પ્રસંગમાં દીકરીને અપાતી જીવન જરૂરી વસ્તુઓ મર્યાદિત આપવી તેમજ સગાઈ અને લગ્ન પ્રસંગમાં 11 વ્યક્તિઓએ જવું, જ્યારે લગ્નની જાનમાં ૫૧ વ્યક્તિએ જવું તેવું પણ ઠરાવવામાં આવ્યું હતું.જેના કારણે સામાન્ય પરિવારને ખોટો ખર્ચ ના ઉઠાવવો પડે.
View this post on Instagram
આ બેઠકમાં વર્ષ દરમિયાન ગમે ત્યારે લગ્ન ગોઠવવાના બદલે વર્ષમાં એવી બે ત્રણ તારીખો જ નક્કી કરવી જોઈએ. અને આ દરમિયાન કુળ વાઇઝ લગ્ન પ્રસંગોનું આયોજન કરવું જોઈએ. જ્યારે બોલામણા પ્રથા ને સદંતર બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે વર્તમાન સમયમાં સગાઈ કર્યા પછી સગપણની તોડ પ્રથા જે છે તેમાં પણ સુધારો કરવા માટે ગુણદોષને ધ્યાનમાં લઈને આવા પ્રસંગોમાં દંડ કરવો, અને તે રકમને શૈક્ષણિક સંકુલ તેમજ સામાજિક પ્રસંગની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવી જોઈએ તેવું ઠરાવવામાં આવ્યું હતું. જ્યારે મોબાઈલનો ઉપયોગ જેમ આશીર્વાદરૂપ છે તેમ તેનો દુરુપયોગ અભિશાપ રૂપ બની જાય છે, ત્યારે કુંવારી દીકરીઓને મોબાઈલ ના ઉપયોગથી દૂર રાખવાની જરૂર હોવાનું લાગતાં આ અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના ઉપસ્થિત રહેલા ભાઈ – બહેનોને જણાવ્યું હતું કે, આ તમામ સુધારા સમાજમાં અમલ કરવાથી સંત શ્રી સદારામ બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. તેમ જણાવતા ઉપસ્થિત લોકોએ બે હાથ ઊંચા કરીને તેનું સમર્થન કર્યું હતું.
વ્યસન મુક્તિ માટે દરેક ગામમાં રાત્રે રોકાણ
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, વાવ મતવિસ્તારમાં 170 જેટલા ગામ આવેલા છે. સમાજની કેટલીક મહિલાઓ અલગ – અલગ વ્યસનમાં સપડાયેલી છે. આ મહિલાઓને વ્યસન મુક્ત કરવા અને સમાજને નબળો પડતા અટકાવવા માટે મહિલાઓને પણ વ્યસનમાંથી મુક્ત કરવી ખૂબ જરૂરી છે. જેના માટે દરેક ગામમાં એક દિવસ રહીને અને જરૂર પડે તો રાત્રી રોકાણ કરીને પણ સમાજને વ્યસન મુક્ત કરવો છે. આ કામ ભગીરથ છે પરંતુ તેના માટે મારી તૈયારી છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : હવે AMCબજેટ સત્રમાં પણ અદાણીનો મુદ્દો ગુંજ્યો, હોબાળો થતાં બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રખાયું