પાલનપુર: માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં રાજ્યપાલે આપી આહૂતિ
પાલનપુર:વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવમાં આપી આહૂતિ#palanpur #palanpurupddate #AcharyaDevvrat #Governor #banaskantha #mahayagya #maarbuda #gujaratupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/pnOEozdFuX
— Hum Dekhenge News (@humdekhengenews) February 4, 2023
આ પ્રસંગે રાજ્યપાલએ યજ્ઞશાળામાં આહુતિ અર્પણ કરી મા અર્બુદાના આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યપાલ એ પ્રાસંગિક ઉદબોધન કરતાં ચૌધરી સમાજની કદ-કાઠી જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજ્યપાલ એ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત ભ્રમણમાં આવા ઊંચા પહોળા લોકો જોયા નથી. ચૌધરી સમાજના મૂળિયાં રાજસ્થાન અને હરિયાણા પ્રદેશમાં છે. તેઓના પૂર્વજો ત્યાંથી સ્થળાંતર કરી મા અર્બુદાના આશીર્વાદથી ગુજરાતમાં વસ્યા છે એ હકીકત જાણી તેમણે પોતાપણું અનુભવ્યું હોવાનું જણાવી આપણે એક જ પરિવારના છીએ એમ કહ્યું હતું.
ચૌધરી સમાજની કૃષિ, પશુપાલન પ્રત્યેની નિષ્ઠા અને સન્માનની ભાવનાને બિરદાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ચૌધરી સમાજના પરંપરાગત વ્યવસાય કૃષિ અને પશુપાલનની પ્રસંશા કરી આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધી કૃષિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. ખેતી અને પશુપાલન દુનિયાનું શ્રેષ્ઠ કાર્ય છે, વેદોમાં પણ કહ્યું છે કે, ખેતી કરો.. એમ જણાવી રાજ્યપાલ એ બનાસ ડેરી અને ખેતી, પશુપાલન ક્ષેત્રે ચૌધરી સમાજે આપેલા યોગદાનની પ્રસંશા કરી સમાજને અભિનંદન આપ્યા હતા.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, નિમ્ન નોકરીનું ઉદાહરણ આપતાં ખેતીને પવિત્ર કામ ગણાવ્યું હતું. આપણે સૌ ધરતી માતાના સંતાનો છીએ, ધરતી મા આપણું પાલનપોષણ કરે છે. ખેતી અને પશુપાલન મહેનતનાં કામ છે અને પરસેવો પાડીએ ત્યારે માં અર્બુદા – પરમાત્માના દર્શન થાય છે. એટલે જ ભારતમાં ખેતીને સર્વશ્રેષ્ઠ કામ ગણાવ્યું છે. એમ જણાવી ચૌધરી સમાજની ખેતી પ્રત્યેની નિષ્ઠા અને સન્માન ભાવનાને બિરદાવી હતી.
પ્રાકૃતિક ખેતી તેમજ ગાય આધારિત ખેતીના ફાયદા ગણાવી રાજયપાલ એ તેઓ પહેલાં ખેડૂત છે પછી રાજયપાલ છે એમ જણાવી ચૌધરી સમાજના આગેવાનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવવા કિસાન સંમેલન યોજવા આહવાન કર્યું હતું. જેમાં તેઓ સ્વયંમ ઉપસ્થિત રહી કિસાનોને ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપશે, અને કઈ રીતે ગાયની નસ્લમાં સુધારો કરી વધુ ઉત્પાદન મેળવી શકાય એ નવીન પદ્ધતિઓ પણ જણાવશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ચૌધરી સમાજના ઇતિહાસની વાત કરતા કહ્યું કે, આ સમાજ મૂળ રાજસ્થાન અને હરિયાણાથી આવીને ગુજરાતમાં સ્થાયી થયો છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ચૌધરી સમાજે મા અર્બુદા મહોત્સવનું ભવ્ય આયોજન કરીને મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. દલિત સમાજ સહિત તમામ સમાજો અને જ્ઞાતિઓને આ યજ્ઞમાં જોડીને સામાજિક સમરસતાનું વાતાવરણ આ સમાજે ઉભું કર્યુ છે. શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરના પ્રમુખ કેશરભાઇ ભટોળે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોનું હ્રદયના ઉમળકાથી ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ. જ્યારે શ્રી અર્બુદા મા રજત જયંતિ ઉજવણી સમિતિના ચેરમેનશ્રી પરથીભાઇ ભટોળે આભારવિધિ કરી હતી.
આ પણ વાંચો :પાલનપુર: ડીસા કોલેજની વિદ્યાર્થીનીઓ એ માઉન્ટ આબુમાં સફળતા પૂર્વક બેઝિક કોર્સ પૂર્ણ કરી સિલ્વર મેળવ્યો