અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા વહીવટદારનું પૂતળું ફૂંકાયું
- મંદિરનો સાત નંબરનો ગેટ બંધ કરાતા કાર્યકરોએ કર્યો હોબાળો
- પ્રસાદ શરૂ નહીં કરાય તો ગામડે ગામડે થશે આંદોલન
- જગદંબાની પરંપરા તોડશે તેની ઓકાત બતાવીશું : VHP
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇ ભક્તોને અપાતો મોહનથાળ નો પ્રસાદનો મામલો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ ધરણાં યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે બપોર બાદ ગામની બજારમાં રેલી કાઢીને “મોહનથાળ શરૂ કરો” ના સૂત્રોચાર સાથે ચોકમાં આવ્યા હતા.
જ્યાં અંબાજી મંદિરના વહીવટદારનું પૂતળું ફૂંકવામાં આવ્યું હતું. અને રોષ વ્યક્ત કર્યો હતો તેમજ મંદિરના વહીવટદાર ની વિરુદ્ધમાં સૂત્રોચાર પોકારીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જ્યારે મંદિરમાં પ્રવેશ માટેનો સાત નંબરનો ગેટ બંધ કરી દેવાતા વીએચપી અને બજરંગ દળના કાર્યકરો રોષે ભરાયા હતા, અને આ ગેટની આગળ જ બેસીને વિરોધ કરી સૂત્રોચાર કરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
અંબાજી બજારમાં નીકળી વિશાળ રેલી
અંબાજી શહેરમાં ભાજપમાં વર્ષોથી રહેલા કેટલાક હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. ત્યારે દિવસે દિવસે હવે આ મામલો ભારે ગરમાવો પકડી રહ્યો છે. માઈ ભક્તો અને શહેરીજનોની એક જ માંગ છે કે, મોહનથાળની આ પરંપરા ફરીથી શરૂ કરો.
વિશ્વ હિન્દુ પરિષદે સાત દિવસનું આપ્યું અલ્ટીમેટમ
જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચાર- પ્રસાર વિભાગના અખિલ ભારતીય સહ મંત્રીએ મંદિર ટ્રસ્ટને મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપી દિધું છે. નહીં તો આ આંદોલન ગામડે ગામડે અને લોકો સુધી લઈ જવાની ચીમકી પણ આપી દીધી હતી. તેમને જણાવ્યું હતું કે, ભારતમાં હિન્દુઓની પરંપરાને તોડવાની જાણે ફેશન બની ગઈ છે.
જેની સામે વિશ્વ હિન્દુ પરિષદ દેખાવ કરી રહ્યો છે. તેમને સરકારને અને પ્રશાસનને જણાવ્યું હતું કે, તમારામાં હિંમત હોય તો મુસ્લિમોની પરંપરા તોડી બતાવો. હવે હિન્દુઓની પરંપરા સાથે જે પણ ખીલવાડ કરશે તેમાં કોઈની પણ સરકાર હોય, હિન્દુ સંગઠનો આ સાંખી લેશે નહીં. અહીંયા માત્ર મોહનથાળના પ્રસાદ નો પ્રશ્ન નથી પરંતુ હિન્દુઓની પરંપરાનો પ્રશ્ન છે. અને સનાતનની પરંપરાની રક્ષા એ જ વિશ્વ હિન્દુ પરિષદનો મંત્ર છે.
View this post on Instagram
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે કાર્યકર્તાએ અહીંના વહીવટદારનું પૂતળું બાળી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ત્યારે અમારું પ્રતિનિધિ મંડળ હવે મંદિરમાં જઈ વહીવટદાર પાસે પ્રશ્નનો જવાબ માંગીશું કે, કોના દબાણથી અને કયા લેભાગુ લોકો છે. જેના કારણે જગદંબાની આ પરંપરા તોડવા તૈયાર થયા છો ?જે જગદંબાની પરંપરા તોડશે તેની ઓકાત બતાવવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ કરશે.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા વહીવટદારનું પૂતળું ફૂંકાયું#AMBAJI #ambajitemple #TEMPLE #PALANPUR #PALANPURUPDATE #News #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/4Vzdg3XHsz
— Hum Dekhenge News (@humdekhengenews) March 11, 2023
અને જો હવે સાત દિવસમાં મોહનથાળના પ્રસાદની મૂળ પરંપરા ચાલુ કરવામાં નહીં આવે તો ગામડે ગામડે હિન્દુ સમાજ આંદોલનને જન જન સુધી લઈ જશે એમ પણ તેમણે કહ્યું હતું. બીજી તરફ રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે મંદિરના ટ્રસ્ટીઓએ નિર્ણય લેવાનો છે. તેમ જણાવી સરકારનો પક્ષ સ્પષ્ટ કરી દીધો હતો. ત્યારે મોહનથાળને બંધ કરવાનો નિર્ણય કોના કહેવાથી લેવામાં આવ્યો છે અને શા માટે આ નિર્ણય આટલી રજૂઆતો બાદ પણ રદ કરાતો નથી. જેને લઇને પણ અનેક શંકા કુશંકાઓ થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસાના દશાનાવાસના ખેતરમાંથી ગાંજાના 1410 છોડનું વાવેતર ઝડપાયું