પાલનપુર : તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન
- અંબાજી ખાતે જાહેરસભા, લોકાર્પણ, ખાતમૂહર્ત, ગબ્બર ખાતે મહાઆરતીનો ભરચક કાર્યક્રમ
- ડીસા એરફોર્સ સ્ટેશનમાં રૂ. 1000 કરોડના ખર્ચે રનવેનું ભૂમિપૂજન કરશે
પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ₹ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તે સિવાય ₹ 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને ₹ 85 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે.
અંબાજીમાં જાહેરસભા, ત્યારબાદ PM ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે
અંબાજી ખાતે જાહેરસભામાં વડાપ્રધાન દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.
નવી તારંગા હિલ – આબુ રેલવે લાઇનનું ભૂમિપૂજન
કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. ₹2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં ₹1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. ત્યારબાદ ₹ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરશે.
આ પણ વાંચો : દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત