પાલનપુર : ડીસામાં મંદિરો અને ગૌશાળાની જમીન ખાલી કરાવવા પાલિકાએ નોટીસ આપતા ગૌ સેવકો ભડક્યા
- નગરપાલિકા ગૌશાળાની જગ્યા સંભાળી લે અને ગાયોની સેવા કરે : ગૌસેવકો
પાલનપુર : ડીસામાં હરિઓમ સ્કૂલની પાછળ આવેલ હઠીલા હનુમાન સહિતના મંદિરો અને ગૌશાળા ની જગ્યા દબાણમાં હોવાથી ખાલી કરવાની નોટિસ આપતા ગૌસેવકોએ ડીસા નગરપાલિકામાં આવેદનપત્ર આપી આ જગ્યાનો કબજો સંભાળી બીમાર અને રખડતી ગૌમાતાઓની સેવા કરવાની જવાબદારી સંભાળી લેવા તેમજ આ જગ્યાની પાછળ દબાણ વાળી જગ્યામાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા જણાવ્યું છે. ડીસામાં હરિઓમ સ્કૂલ પાછળ આવેલા હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં તત્કાલીન મહંત મહંત સ્વ.શ્રી નરસિંહદાસજી મહારાજે અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા શરૂ કરી ડીસા શહેરમાં રખડતી અને બીમાર ગૌમાતાઓની સેવા શરૂ કરી હતી. જોકે નરસિંહદાસજી મહારાજ બ્રહ્મલીન થતા તેમજ લમ્પી વાયરસ બાદ આ જગ્યા પર ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પ્રવૃત્તિ ન થતા ડીસાના સેવાભાવિ ગૌસેવક મગશીભાઈ રબારીએ અન્ય સેવાભાવીઓની મદદથી આ જગ્યા પર બીમાર ગૌમાતાઓની સેવા તેમજ રખડતા ઢોરોને ઘાસચારાની વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી.
જોકે ડીસા નગરપાલિકા દ્વારા આ જગ્યા બિન નંબરી હોવાથી તેમજ આ જગ્યામાં દબાણ કરી પાકા શેડ તેમજ મંદિરો બાંધવામાં આવ્યા હોય આ દબાણો દૂર કરવા મગસીભાઈ રબારી ને નોટીસ આપવામાં આવી હતી. આ જગ્યાની બિલકુલ પાછળ 50 વીઘા જેટલી જગ્યા પણ દબાણમાં છે અને એ જગ્યામાં ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા ગૌ સેવા માટેની જગ્યાને નોટીસ આપતા ગૌ સેવકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. જેથી આજે આ જગ્યા પર સેવા કરતાં મગસીભાઈ રબારી, ગૌસેવકો ધર્મેન્દ્રભાઈ ફોફાણી, રમેશભાઈ ઠક્કર, દીપકભાઈ દેસાઈ, જયેશભાઈ દેસાઈ, યોગેશ ગોસ્વામી સહિત ગૌ પ્રેમીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ જગ્યાનો કબજો નગરપાલિક સંભાળી લે અને બીમાર તેમજ બીમાર ગૌમાતાઓ તેમજ રખડતા ઢોરોને ઘાસ નાખવાની જવાબદારી ઉપાડી લે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
ગૌસેવકો બે ત્રણ દિવસ સુધી ઘાસચારાની વ્યવસ્થા સંભાળવા તૈયાર
ડીસા નગરપાલિકાએ ગૌશાળાની જગ્યા ખાલી કરવાની નોટિસ આપતા આ જગ્યા પર હાલમાં આશ્રય લઈ રહેલા 100 ઉપરાંત ઢોરો ની જવાબદારી હવેથી નગરપાલિકા સંભાળી લે, તેમજ નગરપાલિકા આ વ્યવસ્થા કરે ત્યાં સુધી બે ત્રણ દિવસ સુધી ઘાસચારાની વ્યવસ્થા પણ ગૌસેવકો પોતે સંભાળશે તેમ પણ ચીફ ઓફિસરને જણાવ્યું હતું.
અધિકારીઓને પદાધિકારીઓ સાથે મળી યોગ્ય નિર્ણય લઈશું
ડીસા નગરપાલિકામાં નવા આવેલા ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે, મેં આજે જ ચાર્જ લીધો છે અને આ અંગે નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લઈશું તેમજ સેવાકીય કાર્યોમાં નગરપાલિકા સહભાગી પણ બનશે.
મેં કોઈ દબાણ કરેલું નથી : મગસીભાઈ રબારી
આ જગ્યા સ્વ. નરસિંહદાસજી મહારાજે વિકસાવેલી છે તેમજ તેમના સમયમાં મંદિરો,અન્નક્ષેત્ર ધર્મશાળા તેમજ ગૌશાળા ના શેડ બનાવ્યા હતા. મેં કોઈ દબાણ કરેલું નથી. હું ફક્ત આ જગ્યા પર બીમાર ગૌમાતાઓની સેવા અને રખડતા ઢોરોના ઘાસચારાની વ્યવસ્થા કરું છું.
આજગ્યા ફાળવવા ખુદ નગરપાલિકાએ જ ઠરાવ કરેલો છે
હરિઓમ સ્કૂલ પાછળ હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય આ જગ્યા શ્રી હરિનામ ટ્રસ્ટ ને સોંપવા ડીસા નગરપાલિકામાં તારીખ 16/ 7 /2016 ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે નગરપાલિકા એ જ આ જગ્યા ખાલી કરવા નોટિસ આપતા વિવાદ થયો છે.
પાછળ ચાલતા કતલખાના પણ બંધ કરાવો : ધર્મેન્દ્ર ફોફાણી
પાલિકાએ નોટિસ આપેલ દબાણ વાળી જગ્યાની પાછળ પણ 50 વીઘા થી વધુ જગ્યા પણ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વોના કબજામાં છે, અને ત્યાં ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ કતલખાના ચાલી રહ્યા છે પરંતુ નગરપાલિકાને તે દેખાતું નથી. હવે આ જગ્યાનો કબજો પાલિકા સંભાળી લે અને રખડતા ઢોરોની સહિત મંદિરોની પવિત્રતા જળવાય તે રીતે જવાબદારી પણ નિભાવે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો