પાલનપુરના કચરાના ડુંગરનો હવે થશે નિકાલ, લેગાસી વેસ્ટ માટે લગાવાયો પ્લાન્ટ
- પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો
પાલનપુર : પાલનપુર શહેરના માલણ દરવાજા પાસે કચરાના ખડકાયેલા ડુંગરના નિકાલ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા ખાનગી ધોરણે લેગાસી વેસ્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કચરાનો નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્લાન્ટની શરૂઆત પાલનપુરના ધારાસભ્યના હસ્તે કરવામાં આવી હતી. પાલનપુર શહેરમાંથી રોજનો હજારો ટન કચરો એકત્ર થાય છે.
જેને ટ્રેકટરોમાં ભરીને વર્ષોથી માલણ દરવાજા પાસે આવેલી ડમ્પિંગ સાઈડ ખાતે નાખવામાં આવે છે. જેના કારણે કચરાના ઊંચા ડુંગરો ખડકાઈ ગયા હતા. અને મૃત પશુઓનો પણ અહીંયા નિકાલ થતો હતો. જેના કારણે આજુબાજુના રહેણાક વિસ્તારમાં રહેતા લોકોને રહેવું પણ ભારે પડી ગયું હતું. જ્યારે આજુબાજુના 30 ગામોનો વ્યવહાર પણ આ માર્ગો પરથી થતો હતો. ઘણીવાર કચરાના કારણે આ માર્ગ પણ બંધ થઈ જતો હતો.
ત્યારે આ અંગે અગાઉ પાલનપુરના યુવાન રવિ સોનીએ ફેસબુક લાઈવ કરીને સમગ્ર સમસ્યાનો ચિતાર આપ્યો હતો. દરમિયાન પાલનપુર પાલિકા દ્વારા ડમ્પિંગ કચરાના નિકાલ માટે લેગાસી વેસ્ટ નો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે રૂપિયા 50 લાખના ખર્ચે આ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. અહીંયા કચરાના નિકાલમાંથી જે કામગીરી શરૂ થશે તેમાં પ્લાસ્ટિકમાંથી નાના નાના દાણા બનશે. જે રોડની કામગીરીમાં ઉપયોગ થતા હોય છે.
જ્યારે કચરામાંથી ખાતર પણ બનશે. આ પ્લાન્ટ ખાનગી સંસ્થા દ્વારા ઓપરેટ થઈ રહ્યો છે. જેની શરૂઆત પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પાલનપુર: ડીસા કોલેજની વિદ્યાર્થીનીઓ એ માઉન્ટ આબુમાં સફળતા પૂર્વક બેઝિક કોર્સ પૂર્ણ કરી સિલ્વર મેળવ્યો