પાલનપુર: ડીસાના આસેડા પાસે દાંતીવાડા કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે ડીસા – પાટણ હાઈવે પર આસેડા ગામ પાસે દાંતીવાડા કેનાલમાં પણ મોટું ગાબડું પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને તેમના ખેતર સુધી સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ કેનાલ બનાવ્યા બાદ તેમાં પાણી છોડતા જ ઠેર ઠેર ગાબડાઓ પડે છે.
વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. જેમાં આજે ડીસા – પાટણ હાઈવે પર આસેડા ગામ પાસે પણ દાંતીવાડા કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા જ કેનાલનું પાણી આજુબાજુમાં ખેતરોમાં ફરી વળ્યું હતું. અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે તે જ કેનાલો વારંવાર તૂટતા ખેડૂતો માટે અભિશાપ રૂપ બની જાય છે. જેમાં આજે આસેડા ગામ પાસે પણ કેનાલનું પાણી ખેતરોમાં એક એક ફૂટ સુધી ભરાઈ ગયું હતું. જેથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી છે.
બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારોમાં પણ જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે કેનાલ કાગળના પત્તા ની જેમ તૂટી જાય છે. અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ખેડૂતોની પણ માંગ છે કે, કેનાલ તૂટવાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે. જેથી સરકારે નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું જોઈએ.
આ પણ વાંચો : પાલનપુર: ભાભરના લૂણસેલામાં સંત શ્રી સદારામ બાપાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 60 હજાર ભાવિકો બન્યા સહભાગી