પાલનપુર : ચડોતરથી મા અર્બુદા ધામ ડીસાવળ પરગણાની યોજાઈ પગપાળા યાત્રા
પાલનપુર : બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે આંજણા સમાજના કુળદેવી મા અર્બુદા 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય ઐતિહાસિક આયોજન આગામી તારીખ 2 થી 5 ફેબ્રુઆરી 2023 દરમિયાન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર આંજણા સમાજનું આ ધાર્મિક નજરાણું કંડારાઈ રહ્યું છે.જે સમાજ માટે ગૌરવ અને હરખની હેલી સમાન છે. જીવનમાં પ્રસંગો તો વારંવાર આવતા-જતા હોય છે, પણ આપણી કુળદેવીનો આવો અવસર તો દાયકાઓમાં દુલૅભ હોય છે.આંજણા સમાજ માટે અને મા પ્રત્યેનું રૂણ અદા કરવાનો આ અદભુત અને અલભ્ય અવસર આવ્યો હોવાનું સમાજના આગેવાનો જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ અવસર છે આરાધનાનો.. શ્રદ્ધાનો..મા ને મળવાનો.
આ અવસરને દીપાવવા હિંદવાણી કાંકરેજી ડીસાવળ પરગણાની પગપાળા યાત્રા શનિવારે સવારે 9:00 કલાકે ચડોતરથી મા અર્બુદા ધામ પાલનપુર સુધી રાખવામાં આવેલ હતી. જેમાં સમાજના સૌ ભાઈ બહેનો પરંપરાગત પહેરવેશમાં પગપાળા ચાલીને મા અર્બુદાના ગગનભેદી જયધોષ અને ગરબા રમતા પદયાત્રાને યાદગાર અને સફળ બનાવી હતી જેની સુવાસ ચોમેર ફેલાઈ હતી.
પાલનપુરમાં ગલબાભાઈ પટેલની પ્રતિમા પાસે ચોકમાં આંજણા સમાજની બહેનોએ માં અર્બુદાના ગરબા ગાઈ ને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
આ પણ વાંચો : બે દિવસમાં સિંગતેલના ભાવ આસમાને ! ફરી એક વખત ભાવમાં આટલો વધારો ઝીંકાયો