પાલનપુર : બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદથી ઘઉંના પાકમાં નુકશાનની ભિતી


પાલનપુર : મોસમ વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીપંથકમાં શનિવારે સાંજે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. વારંવાર વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. અગાઉ માવઠું થયું હતું. જ્યારે માર્ચ માસમાં પણ ફરીથી કમોસમી માવઠું થવાની મોસમ વિભાગે આગાહી કરી હતી.
આ આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર, ખેતીવાડી વિભાગ અને એપીએમસી દ્વારા ખેડૂતોને પોતાના પાકની ખુલ્લા નહિ રાખી યોગ્ય જગ્યાએ રાખવા માટે સાવચેત કરવામાં આવ્યા હતા.
દરમિયાન શનિવારે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે બપોર પછી કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ ઘઉંના ખેતરોમાં કાપણીની કામગીરી ચાલી રહી છે.
દરમિયાન કરા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેને લઇને જંગલ વિસ્તારમાં બરફ ની ચાદર પથરાઈ ગઈ હતી. અને કાશ્મીર ની વાદીઓ જેવું નયનરમ્ય વાતાવરણ ખડું થયું હતું. જ્યારે આદિવાસી પંથકમાં અત્યારે ખેડૂતો ઘઉંના પાકની કાપણી કરી રહ્યા છે. જેને નુકસાન થવાની ખેડૂતોએ ભિતી વ્યક્ત કરી છે.
પાંથાવાડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજની બોરીઓને તાડપત્રીથી ઢાંકવા માટે દોડધામ થઈ હતી. જ્યારે આ કમોસમી વરસાદને લઈને કરા પડતા વાતાવરણમાં આવતા વારંવાર બદલાવથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકોને પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.