પાલનપુર : દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાંચ વખત પાણી અપાશે


- રવિ સીઝનમાં પિયત માટે પાણી આપવાની જાહેરાતથી ખેડૂતોમાં આનંદ
- પિયત કરવા ઇચ્છતા ખેડૂતોએ નિયત ફોર્મ ભરવું પડશે
પાલનપુર : ચાલુ વર્ષે મેઘરાજાની સર્વત્ર મહેર થતા દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલોછલ ભરાયો હતો. જેથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેડૂતોને પાંચ વખત પિયત માટે પાણી આપવાની જાહેરાત કરતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. છેલ્લા પાંચ વર્ષથી પિયતના અભાવે અનેક ખેડૂતો રવિ સિઝન લઈ શકતા ન હતા.
દાંતીવાડા ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામોને સને 2022-23 ની રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે પાંચ પિયત સાથે 20,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરાયું છે.જેથી પાણી લેવાની ઈચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમુના ફોર્મ-7 માં જરૂરી વિગત દર્શાવી તા.૧૫ નવેમ્બર’૨૨ સુધીમાં જે- તે વિસ્તારના સિંચાઈ નિરીક્ષક અથવા કારકુનોને રૂબરૂમાં પહોંચાડવા જણાવાયું છે.

ખેડૂતોએ આ અરજીની સાથે ખાતાની બાકી અને પંચાયતની સિંચાઈ બાકી વસુલાતની રકમ તથા ચાલુ સિઝનની અગોતર સિંચાઈ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. ચાલુ સાલે પ્રતિ પાણી દીઠ પ્રતિ હેક્ટરના પિયાવો રૂ.324.00 તથા 20 ટકાના દરે લોકલ ફંડ રૂપિયા 64.80 કુલ મળી 388.80 પ્રતિ હેકટરદીઠ ભરવાના રહેશે. ખેડૂતોએ અરજી આપી પાણીનો પાસ મેળવી લેવા અને ઢાળીયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર ડીસા સિંચાઇ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત