ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની હરાજીમાં રૂ.1401 નો ભાવ બોલતા ખેડૂતો ખુશખુશાલ

Text To Speech

પાલનપુર : ગુજરાતમાં સૌથી વધુ મગફળીની આવક ધરાવતા ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારની હરાજીમાં મગફળીનો ભાવ પણ સૌથી વધુ બોલાયા છે. 20 કિલોએ 1,401 રૂપિયા જેટલો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ જ ભાવ જળવાઈ રહે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મબલખ વાવેતર થાય છે. દર વર્ષે મગફળીના વાવેતર નો વિસ્તાર પણ વધી રહ્યો છે. ત્યારે આ વર્ષે ડીસામાં ખેડૂતોને મગફળીનો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે પ્રતિ 20 કિલોએ 1100 થી 1200 રૂપિયા મગફળીનો ભાવ રહેતો હોય છે.

ડીસા માર્કેટયાર્ડમાં ગુરુવારથી ચોમાસુ મગફળીની આવક શરૂ 

પ્રથમ દિવસે જ 20 કિલોએ 1,401 જેટલો ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ વખતે ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તેના કારણે મગફળીનો પાક પણ ઓછો થયો છે. પરંતુ હવે મગફળીના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો નુકસાનમાંથી રાહત અનુભવી રહ્યા છે. અને આ જ ભાવ યથાવત જળવાઈ રહે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે .ગુજરાતમાં સૌથી વધુ મગફળી ની આવક ધરાવતુ ડીસા માર્કેટયાર્ડ છે.

ગત વર્ષે એક દિવસમાં સૌથી વધુ 1.3 લાખ બોરીની આવક થઈ હતી

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ડીસા સહિત આજુબાજુ માં અનેક જગ્યાએ મગફળીનો પાક નષ્ટ થયો હતો અને ઉત્પાદન પણ ઓછું થયું છે. તો બીજી તરફ સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા ચીનમાં અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ છે. તેના કારણે બનાસકાંઠા અને ગુજરાત માં મગફળીનો ભાવ ઉચકાયો છે. અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે.

આ પણ વાંચો : પાલનપુર : નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં હોબાળો

Back to top button