પાલનપુર: અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને ઉત્સાહ, 5000 મહિલાઓએ હાથમાં મહેંદી મુકી
પાલનપુર: બનાસકાંઠામાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને સમગ્ર આંજણા ચૌધરી પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૃદ્ધો, વડીલો, યુવાનો, બાળકો તેમજ મહિલાઓ મા અર્બુદાના રજત જયંતિ મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહી છે.
ત્યારે મહિલાઓ દ્વારા જેમ ઘરે પ્રસંગ હોય અને મહેંદી મૂકીને શણગાર સજતા હોય તે રીતે આ માતાજીના પ્રસંગની શરૂઆતમાં 5000 થી વધુ મહિલાઓએ મા અર્બુદાધામ પાલનપુર ખાતે એકઠા થઈ અને તમામ મહિલાઓએ મહેંદી મૂકી હતી. અને માતાજીના આ રૂડા અવસરને ઉત્સવ સાથે ઉજવવા માટે આનંદવિભોર થઈ હતી.
આ ઉત્સવમાં મહિલાઓએ એક અનોખી ભૂમિકા ભજવી હતી. અહીંયા તૈયાર કરવામાં આવી રહેલી યજ્ઞશાળામાં લીંપણ માટે પણ 5000 થી વધુ મહિલાઓ જોડાઈ હતી. જવારા વાવવામાં 5000 થી વધુ મહિલાઓ ભાગ ભજવ્યો હતો.
બે દિવસમાં દસ લાખ લાડુ બનાવાયા
તેમજ છેલ્લા બે દિવસથી દસ લાખ લાડુ બનાવવા માટે પણ બહેનોએ ખડે પગે સેવા બજાવી છે. આ મહેંદી મૂકવામાં પણ 5,000 થી વધુ મહિલાઓ એકઠી થઈ અને આ માના ઉત્સવને લઈને આનંદિત જોવા મળી હતી.આ સમગ્ર ઉત્સવમાં જ્યારે દસ લાખ લોકો માના દર્શન માટે આવવાના છે, ત્યારે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હવે એક લાખ લોકોની ઢોલ- નગારા સાથે મા અર્બુદા માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
આ પણ વાંચો :પાલનપુર: બનાસકાંઠામાં ગેરકાયદેસર માંસની દુકાનો સામે કાર્યવાહી