પાલનપુર : જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ડીસા ખાતે કરાશે
પાલનપુર: આગામી પ્રજાસત્તાક પર્વ- 26 મી જાન્યુઆરી-2023 ની જિલ્લાકક્ષાની ઉજવણી ડીસા ખાતે શાનદાર રીતે કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી અંગે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન માટે કલેકટર આનંદ પટેલે બેઠક યોજી
આ બેઠકમાં કલેકટર આનંદ પટેલે અધિકારીઓને જણાવ્યું કે, પ્રજાસત્તાક મહાપર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ગરીમાભેર થાય તેવું આયોજન કરીએ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના વ્યક્તિઓનું સન્માન, સરકારી ઇમારતો પર રોશની અને શણગાર, વૃક્ષારોપણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેનું સુચારૂ આયોજન કરવા તેમણે અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘ, નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યા, મદદનીશ કલેક્ટર અંજુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સહિત સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :પાલનપુર : ડીસા કોલેજના એન.એસ.એસ. ના ખાસ વાર્ષિક શિબિરનું સમાપન, વિવિધ કાર્યક્રમ યોજાયા