પાલનપુર : મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધ સામે ડીસાના વકીલે ચૂંટણી પંચમાં અરજી કરી
પાલનપુર : વિધાનસભાની ચૂંટણી વખતે મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના ચૂંટણી પંચના પ્રતિબંધના કારણે અનેક મતદારો મતદાન કર્યા વગર પરત જતા રહેતા હોય તેમ જ ચૂંટણી ફરજનો સ્ટાફ અંદર મોબાઈલ રાખતો હોય અને મતદારોને મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોવા સામે ડીસાના વકીલે ચૂંટણી પંચમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે.ચૂંટણી પંચ દ્વારા લોકસભા વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે મતદાન મથકમાં મતદારોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જ્યારે બીજી બાજુ ચૂંટણી ફરજ ના કર્મચારીઓ મતદાન મથક ની અંદર મોબાઈલ લઈને બેઠા હોય છે. ત્યારે ડીસાના એડ્વોકેટ સુભાષ ઠક્કરે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે ,અત્યારે મોબાઈલ એ લોકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. મોબાઈલ પર પ્રતિબંધ મૂકવો એ અયોગ્ય છે.જેનાથી ઘણા બધા મતદારો પરત ગયા અને મતદાન પર વિપરીત અસર પર પડી છે.જો મોબાઈલથી ચૂંટણી પ્રક્રિયાની અસર થતી હોય તો ઇલેક્શન સ્ટાફને પણ મોબાઈલ પર પ્રતિબંધ હોવો જોઈએ. અનેક જગ્યાએ મતદાન મથક ઉપર લાંબી લાંબી લાઈનો લાગતી હોય છે.
ત્યારે લોકો લાઈનમાં ઉભા ઉભા મોબાઈલ વડે પોતાનું કામ પણ કરી શકે છે. માત્ર મત આપતી વખતે એક મિનિટ માટે મોબાઈલ ટેબલ પર મુકાઈ દે તો પણ ચાલે પરંતુ ચૂંટણી પણ દ્વારા મોબાઈલ મતદાન મથકના પ્રીમાઈસીસમાં જ લઈ જવાના પ્રતિબંધના કારણે અનેક લોકો મતદાન કર્યા વગર પરત જતા રહ્યા હતા. જેથી હવે ફરીથી કોઈ પણ ચૂંટણીમાં મોબાઇલ પર પ્રતિબંધ ન મુકાય તેનું ધ્યાન ચૂંટણી પંચ રાખે તે તે માટે આ ફરિયાદ સ્વરૂપની અરજી ધ્યાને લેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડે યુવક ઉપર હુમલો કરી પગ ભાંગી નાંખ્યા