પાલનપુર: ડીસાના ઝેરડાથી સુજલામ- સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ

પાલનપુર: આજે રાજયભરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠાના જળસંચય અભિયાનનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઝેરડા ખાતે આવેલા ગુલાબસાગર તળાવથી કર્યો હતો. જેમાં જિલ્લાના પદાઅધિકારીઓ તેમજ બનાસ ડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતી અને પશુપાલનના માટે પાણી મુખ્ય સ્ત્રોત છે. ભૂગર્ભ જળનું જળ સ્તર ઊંચું આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠાના જનપ્રતિનિધિઓનું પાણી માટે સરસ કામ, જળ સંચય માટે પ્રજાની જાગૃતિ જરૂરી : શંકરભાઈ ચાૈધરી
જળસંચય અભિયાનના ઉદઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળ સંગ્રહ માટે અપીલ કરી છે જેને સહર્ષ સ્વીકારીને બનાસકાંઠા જિલ્લાના જનપ્રતિનિધિઓ પાણી માટે ખુબ સરસ કામ કરી રહ્યા છે, ત્યારે જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાએ જળ સંકટના સામના માટે જળસંગ્રહ અને પાણીની કરકસર કરવી પડશે.
આજે પાણી તળ ઉંડા જઇ રહ્યા છે ત્યારે પાણીની કિંમત સમજવી જરૂરી છે. પિયત માટે ડ્રિપ ઇરીગેશન અપનાવી પાણીનો બગાડ અટકાવવા તથા જ્યાં સિંચાઇની સુવિધા છે ત્યાં પાણીનો બગાડ ન થાય તેની કાળજી રાખવા સૂચન કર્યું હતું. અધ્યક્ષએ ગલબાભાઇ નાનજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, બનાસ ડેરીએ ૧૩૯ જેટલાં તળાવો ઉંડા કરી જળ સંચયનું ખુબ મોટું જનસેવાનું કામ કર્યુ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી જળ સંચયના કામો કરી જિલ્લાને હરીયાળો બનાવવા માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરીએ.
આ પ્રસંગે લોકસભાના સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 2018 થી સુજલામ- સુફલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય માટે બનાસ ડેરીએ પણ તળાવો ઉંડા કરવાનું અભિયાન ઉપાડ્યું છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લો પીવાના પાણી માટે પણ વલખા મારતો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડીને સુજલામ- સુફલામ યોજના દ્વારા પાણીની સમસ્યાઓનો કાયમી અંત લાવ્યો છે. લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવા આજના સમયની માંગ છે.
રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે ડ્રીપ ઇરીગેશન અપનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડુતો માટે છેલ્લા 27 વર્ષથી વીજળીના બિલમાં વધારો કરાયો નથી. રાસાયણિક ખાતરમાં ખેડુતોને સબસીડી મળતી હોવાથી ખેડુતોને સસ્તા ભાવે ખાતર મળે છે. ગાય આધારિત ખેતી માટે ખેડુતોને માસિક રૂ. 900 ની સહાય અપાય છે. ખેડુતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે જળસંચય અભિયાનમાં પ્રજાની સહભાગીતા ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણભાઈ માળી અને માવજીભાઇ દેસાઇ, પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ રબારી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચાૈધરી, બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામસિંહ ચાૈધરી, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :હિંડનબર્ગ-અદાણી વિવાદ : સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમે પારદર્શિતા ઈચ્છીએ છીએ’