ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા તાલુકા પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત અટક્યું

પાલનપુર: ડીસા તાલુકા પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત ડીસાના ન્યુ ટીસીડી ફાર્મ મેદાનની જગ્યામાં સોમવારે રાખવામાં આવ્યું હતું. જોકે કચેરી માટેની જગ્યા ફાળવણી પ્રક્રિયાને લઇ ખાતમુહૂર્ત હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સરકારી કચેરી માટેની જગ્યાની માંગણીની અરજી સરકારના ઓનલાઇન પોર્ટલમાં કરવાની હતી, પરંતુ જગ્યાની માંગણી ઓફલાઈન કરવામાં આવતા કલેકટર દ્વારા હજુ સુધી જગ્યાની કાયદેસર રીતે ફાળવણી ન થતા ખાતમુહૂર્ત ની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.

ડીસા તાલુકા પંચાયતની હાલની કચેરી જર્જરિત હોવાથી તાલુકા પંચાયત કચેરીના નવીન ભવન માટે રૂપિયા અઢી કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી અને તે માટે ડીસાના ન્યુ ટીસીડી ફાર્મ મેદાન પૈકીની શ્રી સરકાર થયેલી જગ્યા નક્કી કરાઈ હતી. જેથી સોમવારે તારીખ 30 જાન્યુઆરીએ કચેરીનો નવીન ભવનનું ખાતમુહૂર્ત પણ નક્કી કરવામાં આવ્યું હતું.

જોકે આ કચેરી માટે જમીનની ફાળવણી કરવા આઠ માસ અગાઉ સરકારમાં માંગણી માટે અરજી કરવામાં આવી હતી. જોકે સરકારી જમીનની ફાળવણીની માંગણી માટે સરકાર દ્વારા ઓનલાઇન પોર્ટલમાં જ અરજી કરવી તેવો નિયમ ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં જ અમલમાં આવ્યો હતો. જ્યારે ડીસા તાલુકા પંચાયત કચેરીની જમીન માટેની માંગણી ઓનલાઈન ની જગ્યાએ ઓફલાઈન કરેલી હોવાથી કલેકટર દ્વારા હજુ સુધી આ જગ્યાની ફાળવણી કાયદેસર રીતે કરવામાં આવી ન હતી. જેથી જમીન ફાળવણીના મુદ્દાને લઈ હાલ પૂરતી ખાતમુહૂર્તની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે.

આ અંગે ડીસા તાલુકા વિકાસ અધિકારી આર.એન. રાજપૂતે જણાવ્યું હતું કે, ડીસા તાલુકા પંચાયતની નવી કચેરી માટે જમીનની માંગણીની અરજી ઓફલાઈન કરેલી હતી. જોકે સરકારના નવા નિયમ મુજબ જમીન માંગણી માટે ઓનલાઇન પોર્ટલમાં અરજી કરેલી ન હોવાથી જગ્યાની ફાળવણી પ્રક્રિયામાં વિલંબ થયો છે. જેથી કલેક્ટર દ્વારા જમીન ફાળવણી થયા બાદ તાલુકા પંચાયત કચેરીના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

નગરપાલિકાના વિવાદનો મુદ્દો કારણભૂત બન્યો

ડીસા નગરપાલિકા દ્વારા પાંચેક વર્ષ અગાઉ હવાઈ પિલર મેદાનની બાજુની સરકારી જગ્યામાં નાનાજી દેશમુખ બાગ બનાવવા જગ્યા અંગે કલેક્ટરમાં જમીન માંગણી ની અરજી કરી હતી. પરંતુ કલેક્ટર દ્વારા જમીનની ફાળવણી થાય તે અગાઉ જ નગરપાલિકા દ્વારા બગીચો બનાવી દેવામાં આવ્યો હતો.જેથી બગીચાનું ઉદ્ઘાટન થવાનું હતું તેના આગલા દિવસે જ આ જગ્યા કાયદેસર રીતે ફાળવાઈ ન હોવાથી બગીચાનું લોકાર્પણ અટકાવી દેવામાં આવ્યું હતું.ત્યારબાદ આ અંગે લાંબો કાનૂની વિવાદ ચાલ્યો હતો. જેથી ડીસા તાલુકા પંચાયત કચેરીના ભવનમાં પણ આ પ્રકારનો વિવાદ ન થાય તે માટે જમીનની ફાળવણી કાયદેસર રીતે થાય ત્યારબાદ જ તેનું ખાતમુહુર્ત કરાશે.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા બાદ કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ, ભારત વિરોધી સૂત્રો પણ લખ્યા

Back to top button