પાલનપુર : ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી
- મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરાયું
- ભારત વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર, વિશ્વની મહાસત્તા બનવા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે : પ્રભારી મંત્રી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ડીસા ટી.સી.ડી. ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહાપર્વ પ્રસંગે દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વિશ્વની સર્વશ્રેષ્ઠ લોકશાહી ધરાવતા આપણા ભારત દેશમાં ગામના સરપંચથી લઇ વડાપ્રધાન પદ સુધી લોકોના સીધા પ્રતિનિધિઓ બિરાજમાન છે એ આપણી મહાન લોકશાહીની દેન છે ત્યારે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના આધુનિક ભારતના નિર્માણમાં બંધારણની સંકલ્પનાને સાકાર કરવા આપણે સૌ કટીબધ્ધ બનીએ. તેમણે કહ્યું કે, અભાવમાં માણસ ઘડાય છે એ હિસાબે જ્યારે આપણા દેશ ઉપર બ્રિટનનું રાજ હતું ત્યારે દેશના નેતાઓ ગુલામીમાંથી દેશને મુક્ત કરી સ્વરાજ સ્થાપવા ઝઝુમ્યા છે અનેક નવયુવાનોએ શહીદી વ્હોરી છે ત્યારે આજે આપણે આઝાદીના મીઠા ફળો ચાખી રહ્યા છીએ. આઝાદી મળ્યા પછી વર્ષ- 1950માં આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ખરા અર્થમાં લોકોને પોતાના દેશનો વહીવટ ચલાવવાની સત્તાઓ પ્રાપ્ત થઇ હતી.
આપણા દેશની અતિ પ્રાચીન સંસ્કૃતિના વિશાળ વારસાને હૈયામાં ધારણ કરી ફરી ભવ્ય ભારતના નિર્માણ માટે કટીબધ્ધ થવાની નેમ વ્યક્ત મંત્રીએ કહ્યું કે, આઝાદી પછી આપણે 75 માં વર્ષમાં પ્રવેશીને અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશ્વ કલ્યાણની તથા અંત્યોદય અને સર્વાગી વિકાસના મંત્રને મૂર્તમંત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક, સામાજિક, શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં ઐતિહાસિક કામો કરવામાં આવી રહ્યા છે.
વિશ્વના વિકસીત અને વિકાસશીલ એવા 20 દેશોની બનેલી જી-૨૦ નું પ્રમુખપદ આ વર્ષે ભારત પાસે છે અને ગુજરાતમાં પણ તેની ૧૫ જેટલી મહત્વની બેઠકો થવાની છે જેનાથી દેશના ઉદ્યોગ, રોજગારી, નવી તકો, સમતોલ વિકાસ અને ટેકનીકલ શિક્ષણ જેવા વિકાસના નવા રસ્તાઓ ખુલશે અને અઢળક તકો પ્રાપ્ત થશે. મંત્રીએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ પર ભાર મુકતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી કહેતા કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે તેને ધ્યાનમાં રાખી આપણા પ્રધાનમંત્રી એ ગામડાઓના વિકાસ માટે અનેક યોજનાઓમાં અમલી બનાવી છે. જળ જીવન મિશન, ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન ભારત યોજના અને ગરીબ કલ્યાણની આવી યોજનાઓથી ગ્રામિણ વિસ્તારના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીના સમયે વિકસીત દેશો પણ ઘુંટણીએ પડી ગયા હતા ત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ ઝડપી નિર્ણય શક્તિનો પરિચય કરાવી સમયસરના પગલાંઓ ભરી દેશમાં રસીકરણની ઝુંબેશ ચલાવી અને દેશને મહામારીમાંથી હેમખેમ બહાર લાવ્યો.
વિકાસના આયામોથી સુવિધાઓનો તેજ ગતિથી વિકાસ
મંત્રીએ જણાવ્યું કે, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે યોજનાઓથી દેશના યુવાનોમાં સ્કિલ, ટેકનોલોજીની અને રોજગારીનું સર્જન થયું છે અને તેના કારણે દેશ વિકાસના માર્ગે ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. નમામિ ગંગે, અમૃત પ્લાતન, સેતુ ભારતમ, હ્રદય પ્લાોન, પ્રધાનમંત્ર ગતિ શક્તિ, ભારત માલા પ્રોજેક્ટ, દિલ્હી- મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર જેવા વિકાસના આયામોથી સુવિધાઓનો તેજ ગતિથી વિકાસ થઇ રહ્યો છે જેના કારણે રોજગારીની નવી તકો સાથે દેશનો આર્થિક વિકાસ થઇ રહ્યો છે.
ઓલમ્પિકના આયોજન માટે ગુજરાતનીતૈયારીઓ શરૂ
આગામી ૨૦૩૬માં ઓલમ્પિકના આયોજન માટે ગુજરાતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં આંદમાન અને નિકોબારના 21 ટાપુઓને પરમવીર ચક્ર ધારકોના નામ આપવામાં આવ્યા છે. આદિવાસી સમુદાયના વીરોના યોગદાનને બિરદાવવા દર વર્ષે 15 મી નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ મનાવવામાં આવે છે. આ તમામ પ્રયાસોથી એક ભારત શ્રેષ્ઠી ભારતની પરિકલ્પનાને સાકાર કરવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં સૌથી વધારે બનાસકાંઠામાં બાજરાનું ઉત્પાદન
મંત્રીબલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, આ વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે આપણા જિલ્લા માટે ખુબ મહત્વનું છે કારણ કે, ગુજરાતમાં સૌથી વધારે બાજરાનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. ભારત હાલ વિશ્વમાં પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ચુક્યું છે અને વિશ્વની મહાસત્તા બનવા તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ વધવાનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. દેશના ઔધોગિક આઉટપુટમાં 18 ટકા યોગદાન અને દેશના જીડીપીમાં 9 ટકાના યોગદાન સાથે ગુજરાત મોખરે છે. સતત ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મન્સ સ્ટેટ તરીકે એવોર્ડ મેળવી યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટેનું ઉત્તમ વાતાવરણ હોવાનું ગુજરાતે સાબિત કર્યુ છે.
જિલ્લાના વિકાસ માટે કલેકટર આનંદ પટેલને રૂ. ૨૫ લાખનો ચેક એનાયત
મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે કલેકટર આનંદ પટેલને રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. ડીસાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા હોર્સ અને ડોગ શો તથા શ્રી શક્તિ સેવા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ રજૂ કરાયું હતું. વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનારા વ્યક્તિઓનું મંત્રીના હસ્તે સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પ્રજાસત્તાક પર્વની ગુજરાતના વિવિધ મંદિરોમાં કરવામાં આવી ઉજવણી