પાલનપુર : ડીસા ભાજપનું બદલાયું સંગઠન


- શહેર ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ દેલવાડીયા
- તાલુકા ભાજપ પ્રમુખ તરીકે બહાદુરસિંહ વાઘેલાની નિમણુક
પાલનપુર : ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પૂર્વે વિવિધ શહેર તાલુકાના સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે રમેશ દેલવાડીયા અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે બહાદુરસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે.
છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી. તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકા, શહેર મંડળોના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની પ્રદેશ કક્ષાએથી વરણી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા દ્વારા ભાજપના હોદ્દેદારોની જાહેરાત કરાઈ હતી.
જેમાં ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ ભાજપના ડીસા શહેર મહામંત્રી અને જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા રમેશભાઈ નાથુજી દેલવાડીયાની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ડીસા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ગુજરાત જાગીરદાર ક્ષત્રિય મંચના પ્રમુખ બહાદુરસિંગ વાઘેલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડીસા શહેર ભાજપ મહામંત્રી તરીકે પાટીદાર સમાજના યુવા અગ્રણી અશોકભાઈ પટેલ અને બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ પાલિકાના પૂર્વ કોર્પોરેટર કનુભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે તાલુકા ભાજપમાં મહામંત્રી તરીકે જોરાપુરા ગામના પૂર્વ સરપંચ પ્રકાશ બાલાજી ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણી ઉકાજી ચોટિયાની નિમણૂક કરાઈ છે. નવીન હોદ્દેદારોને ભાજપના કાર્યકરો સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : સસ્તા અનાજના વેપારીઓની હડતાલનો અંત