પાલનપુર: અંબાજીમાં અદ્યતન હોસ્પિટલ છતાં સુવિધાઓનો અભાવ, દર્દીઓને પડી રહી છે હાલાકી
પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં અદ્યતન સરકારી હોસ્પિટલ આવેલી છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ સરકારી કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે અંબાજી અને આજુબાજુના વિસ્તારોના લોકો આવતાં હોય છે. અંબાજીની આદ્યશક્તિ સરકારી હોસ્પિટલ અગાઉ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ હેઠળમાં હતી. ત્યારે પણ સુવિધાઓના લીધે વિવાદ સર્જાતા અંબાજી આદ્યશકિત સરકારી હોસ્પિટલને સરકારને હસ્તે સોંપાવામાં આવી હતી. પરંતુ સરકારી હોસ્પિટલની કામગીરીમાં હજી પણ કોઈ સુધારો આવ્યો નથી.
ત્યારે આજે અંબાજીની એક મહિલા સિમેન્ટ ખાઈ લેતાં તેમને સારવાર હેઠળ અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પરિવારજનો દ્વારા અનેક આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, અમે જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે કોઈપણ સ્ટ્રેચર કે સુવિધા ન હોવાના લીધે અમને ખૂબ જ તકલીફ પડી હતી. ત્યારબાદ અમે ઇમર્જન્સી વોર્ડમાં જતાં ત્યાં પણ કોઈ પૂરતો સ્ટાફ કે ડોક્ટર હાજર ન રહેતા અને સમયસર સારવાર ન મળતાં ગંભીર હાલતમાં લાવેલી મહિલાનું મૃત્યુ થયું છે.
અંબાજીના અને આજુબાજુનાં અનેકો લોકો પણ અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતાં હોય છે. પરંતુ અંબાજી સરકારી હોસ્પિટલમાં સુવિધાઓને લઇ લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવતી રહી છે. પરંતુ હજી સુધી અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે મૂળભૂત સુવિધાઓની કમી છે. જેના લીધે અંબાજીના દર્દીઓને મોટા ભાગે પાલનપુર હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવતા હોય છે. જેથી દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી આ અંબાજીની આરાસુરી સરકારી હોસ્પિટલ જે અદ્યતન 500 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. ત્યાં સુવિધાના અભાવ અને ડોક્ટરોની કમીના લીધે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો :માણસા નગરપાલિકાના 56 કરોડના વિકાસકીય કામોનું અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત