પાલનપુર : ડીસાના રસાણાની પરિણીતા પાસે દહેજની માંગણી કરી ઘરેથી કાઢી મૂકી


- પરણીતાએ પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી
પાલનપુર : ડીસાના રસાણા મોટા ગામે એક પરિણીતાને શારીરિક,માનસિક ત્રાસ આપી એક લાખ રૂપિયાના દહેજની માંગ કરી તેને કાઢી મૂકવાના મામલે પરણીતાએ તેના પતિ અને સાસુ સસરા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાત્રિના સમયે ઘરમાંથી કાઢી મૂકી
ડીસા તાલુકાના ભાખર ગામની એક 21 વર્ષીય યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ રસાણા ગામના સુનિલજી ઠાકોર સાથે સમાજના રીતરિવાજો મુજબ થયા હતા. પરંતુ લગ્ન બાદ તુરંત જ તેના પતિએ યુવતી પર શક-વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના સાસુ સસરાની ચડામણીથી તેનો પતિ અવાર નવાર યુવતીને મારઝૂડ કરતો હતો. બાદમાં આ યુવતીને એક લાખ રૂપિયા તેના પિતાના ઘરેથી લઈ આવવાનું કહી તેને મારી રાત્રિના સમયે ઘરમાંથી કાઢી મૂકી હતી.
જેથી યુવતીએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતાં તેના પરિવારજનો આવી યુવતી ને ઘરે લઇ ગયા હતા . આમ લગ્ન પછી તરત જ યુવતી ના પતિ અને સાસુ સસરા તેને અવારનવાર હેરાન કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેથી પીડિત યુવતી તેના પરિવાર સાથે પોલીસ મથકે પહોંચી હતી. અને તેના પતિ સુનિલજી ઠાકોર, સાસુ અને સસરા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાલનપુર : ઉદેપુર થી અમદાવાદ જતી કારમાંથી હવાલાના રૂ. 3.95 કરોડ પકડાયા