પાલનપુર : સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ, લોકોએ ચક્કાજામ કર્યો
પાલનપુર: બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ખેમાણા ટોલટેક્ષ ઉપર અમીરગઢના સ્થાનિક લોકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ આવીને ટોલટેક્ષ ઉપર ચક્કાજામ કર્યું છે.
દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી મોટી સંખ્યામાં લોકો સાથે ટોલટેક્ષ પહોંચ્યા હતા
બનાસકાંઠાના પાલનપુર -આબુરોડ હાઇવે ઉપર ખેમાણા ટોલટેક્ષ ઉપર અમીરગઢપંથકના લોકો પાસેથી ટોલકર્મીઓ પૈસા લેતા હોવાથી સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને ટોલટેક્ષ ન લેવા માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં 500 લોકો ખેમાણા ટોલટેક્ષ ઉપર પહોંચ્યા હતા, અને નેશનલ હાઇવે ઉપર વાહનો આડા રાખીને હાઇવે બ્લોક કર્યો હતો.
જેને લઈને હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આજે તો ફક્ત 500 લોકો આવ્યા છીએ જો નિરાકરણ નહિ આવે તો આવતીકાલે આખા અમીરગઢ પંથકના લોકો આવીને રસ્તો ચક્કાજામ કરીશું અને અમારી માંગ નહિ સ્વીકારાય ત્યાર સુધી આંદોલન કરીશુ.
આ પણ વાંચો :આર્થિક મદદ આપવા માટે IMF એ પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દીધું, PM શેહબાઝ પણ થાક્યા