પાલનપુર : ચેટીચંડની રજા 23 માર્ચે જાહેર કરવા ડીસા સિંધી સમાજની માંગ


- સરકારમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં રજા જાહેર કરાઇ નથી
પાલનપુર : સિંધી સમાજના લોકો રાજ્યના દરેક ખૂણે વસે છે. 23 માર્ચ 2023 ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલજી સાઈનો જન્મદિવસ હોઇ સમગ્ર સમાજના લોકો ખૂબ આસ્થા સાથે આ દિવાસ ચેટીચંદના તહેવાર રૂપે મનાવે છે. ત્યારે સરકાર દ્વારા 23 માર્ચના રોજ ચેટીચંદની રજા જાહેર કરાયેલી નથી. આ અંગે સમાજ દ્વારા વારંવાર મૌખિક, લેખિત તેમજ ઓનલાઇન રજૂઆત કરેલ છે. પરંતુ સરકારે રજા જાહેર કરી ન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ, કર્મચારીઓને નોકરી જેવા પ્રશ્નોના કારણે અવ્યવસ્થા સર્જાય તેમ હોઇ સિંધી સમાજ પ્રત્યે સરકારનું નિષ્ક્રિય વલણ હોય તેવી લાગણી સમાજ અનુભવી રહ્યો છે. ત્યારે ડીસામાં સિંધી સમાજના અગ્રણીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી 23 માર્ચના રોજ રજા જાહેર કરવાની માંગ કરી છે. તેમજ દર વર્ષે તિથિ મુજબ આવતા દિવસે જ ચેટીચંદની રજા જાહેર કરવા પણ સમાજે માંગ કરી છે.
આ પ્રસંગે સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ભાગચંદાણી, મંત્રી અનિલ ફુલવાણી, ઉપ-પ્રમુખ પ્રકાશ આસ્નાની,લક્ષ્મીચંદ તેજવાણી, સમાજના અગ્રણીઓ દિલીપભાઈ ઠરીયાણી,દિલીપભાઈ ઠક્કર, પાલિકાના કોર્પોરેટર ગોવિંદભાઈ માખીજા સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી ચેટીચંદની રજા જાહેર કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં જીઈબી નો માલ ઉઠાવી જનાર કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવાની હિલચાલ