પાલનપુર : રાણપુરમાં લમ્પીગ્રસ્ત પશુના મોતથી ઠેર-ઠેર સડીને ગંધાતા મૃતદેહો


પાલનપુર : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અને દિનપ્રતિદિન આ વાયરસના કારણે મોટા પ્રમાણમાં પશુઓના મોત થઈ રહ્યા છે.ત્યારે રાણપુર ઉગમણા વાસ ખાતે લમ્પી વાયરસથી પશુના મોત થતાં ઠેરઠેર મૃતદેહો સડીને ગંધાઈ રહયા છે.
ડીસામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી લમ્પીગ્રસ્ત પશુઓના મોતનો આંકડો વધી રહ્યો છે.ત્યારે ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ખાતે આવેલ પ્રાથમિક શાળાની પાછળના ભાગે લમ્પી વાયરસના કારણે મૃત્યુ પામેલા પશુઓને ત્યાં જાહેરમાં ફેંકી દેવાથી તેની દુર્ગંધ માથું ફાડી નાખે તેવી ફેલાઈ રહી છે. અને પ્રાથમિક શાળામાં આવતા બાળકોને અને શિક્ષકોનું મૃત પશુઓના દુર્ગંધથી જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
કારણ કે, આ પ્રાથમિક શાળાની પાછળના ભાગે લમ્પીગ્રસ્ત મૃત પશુઓને ફેંકી દેવાના કારણે તેની દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે શાળામાં ભણતા બાળકો અને શિક્ષકો પણ હેરાન પરેશાન થઈ ઊઠ્યા છે. આ મૃત પશુઓને જાહેરમાં નાખી દેવાતા આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ રહી છે.
અનેક ગામડાઓમાં લમ્પી વાયરસથી મૃત પશુઓને દાટી દેવામાં આવે છે. તો અન્ય ગામડાઓમાં આ મૃત પશુઓને જાહેર જગ્યામાં નાખી દેવામાં આવે છે. જેના કારણે મૃત્યુ પામેલા પશુઓની દુર્ગંધ એટલી બધી ફેલાઈ રહી છે કે, લોકોને રસ્તામાં ત્યાંથી ચાલવું તેમજ રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ જાહેરમાં લોકો દ્વારા પશુઓને નાખવાના કારણે આગામી સમયમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ રહી છે. જેથી મૃત પશુઓને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તે જરૂરી છે.