ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : દશરથ નંદન ભગવાન શ્રી રામની ડીસા, પાલનપુર,અંબાજીમાં ભવ્યાતિભવ્ય નીકળી શોભાયાત્રા

  • પ્રથમ વખત યાત્રામાં યુવાનો જોશભેર જોડાયા

પાલનપુર : રામ નવમી નિમિત્તે ડીસા, પાલનપુર અને અંબાજીમાં ભગવાન શ્રીરામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ડીસામાં અગાઉ પણ રામનવમી શોભાયાત્રા નીકળતી હતી પરંતુ પ્રથમ વખત ડીસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર સહિતના યુવકો મોટી સંખ્યામાં જોશભેર જોડાતા આ વખતની શોભાયાત્રા વિશાળ રહી હતી.

દશરથ નંદન ભગવાન શ્રીરામ ની જન્મ જયંતી નિમિત્તે ડીસા શહેરના મોટા રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં સોનેરી બગીમાં બેસી ભગવાન શ્રીરામ, માતા જાનકી ભ્રાતા લક્ષ્મણજી તેમજ પ્રભુના પ્રિય સેવક હનુમાનજી સાથે ભગવાને નગર પરિક્રમા કરી હતી .ડીસા શહેરમાં અગાઉ પણ રામનવમી એ રથયાત્રાઓ નીકળતી હતી પરંતુ આ વર્ષે પ્રથમ વખત યુવાનો હોશભેર જોડાતા યાત્રા ભવ્યાતીભવ્ય રહી હતી. વિશાળ કાફલા સાથે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો જોડાતા સમગ્ર માહોલ કેસરિયો બન્યો હતો.

હિન્દુ યુવા સંગઠનના યુવકોએ તલવારબાજી તેમજ અંગ કસરતના દાવો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, હિંદુ યુવા સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ ટેબ્લો અને ઝાંખીઓ પ્રદર્શિત કરાઈ હતી. યાત્રામાં રાજ્ય સભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ,પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા,ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માલી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નેતાઓ જોડાયા હતા. રથયાત્રા ડીસાના સરદારબાગ પહોંચતા ભગવાન શ્રીરામની આરતી ઉતારી યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. યાત્રા મુખ્ય બજાર માર્ગો એ ફરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

જ્યારે પાલનપુરમાં શ્રી રામસેવા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ હિન્દૂ વિવિધ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ શોભાયાત્રા પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિરથી નીકળી મોટી બજાર, નાની બજાર ,ત્રણ બત્તી, ખોડા લીમડા , ગઠામણ દરવાજા, મોદીનગર, રામનગર, ગુરુનાનગર ચોક, કીર્તિસ્થંભ, રેલ્વે સ્ટેશન, શિમલા ગેટ, દિલ્હી ગેટ થઈ પરત નિજ મંદિરે પહોંચી હતી. જેમાં ત્રણ રથ, ડીજે, ઘોડેસવાર ,ગરબા મંડળ, મહિલા મંડળ ,બાળ હનુમાન સહિતની ઝાંખીઓ સાથે શોભાયાત્રા શહેરમાં ફરી હતી. આ શોભાયાત્રામાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

શક્તિપીઠ અંબાજીમાં રામનવમી નિમત્તે નીકળી ભગવા શોભાયાત્રા

શક્તિ , ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજી મા અંબાનું પ્રાચીન તીર્થ છે. આ ધામમાં મા અંબા ના ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. આજે ચૈત્રી રામનવમી હોઈ અંબાજીમાં માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ.
અંબાજીમાં રામનવમી નિમિતે સાંજે ચાર કલાકે ભગવા શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા અને “જય શ્રી રામ” નો જયઘોષ કર્યો હતો. જ્યારે વિવિધ બાળકોએ દેવી – દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી. ડીજે અને નાશિક ઢોલ નગારા સાથે આ ભગવા શોભાયાત્રામાં અનેક સમાજ આગેવાનો અને મહિલા પણ જોડાઈ હતી.

આ પણ વાંચો : પાલનપુર: ધાનેરાના કુવારલામાં કરિયાણાની દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો

Back to top button