ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠામાં વાવાઝોડા થી તારાજી, વ્યાપક નુકસાન

  • ઠેર ઠેર ઝાડ પડી ગયા
  • વીજળીના થાંભલા તૂટી પડ્યા
  • ક્યાંક ઘરના છાપરા ઉડી જતા બે ઘર બન્યા લોકો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં રવિવારે મોડી સાંજે ભારે વાવાઝોડું ફૂકાયું હતું. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાહી થઈ ગયા હતા, જેના કારણે અનેક માર્ગો બંધ થવા પામ્યા હતા. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતા બાજરીના ઉભા ભાગને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જેને લઈને ખેડૂતો ઉપર જાણે કુદરત રૂઠી ગઈ હોય તેમ વારંવાર કમોસમી માવઠા એ ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે.

   
બનાસકાંઠા જિલ્લામાં રવિવારનો દિવસ ભારે રહ્યો હતો. મોડી સાંજે સાડા સાત વાગ્યા બાદ એકાએક ધુળની ડમરી સાથે ભારે પવન ફુંકાયો હતો અને તેને વાવાઝોડાનું સ્વરૂપ લેતા જિલ્લાના પાલનપુર, ડીસા, ચિત્રાસણી, માણકા, ગોળા, ઢેલાણા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાએ વ્યાપક નુકસાન વેર્યું હતું. ભારે પવનથી અનેક વૃક્ષો મૂળ સાથે ભોંય ભેગા થઈ ગયા હતા, તો ક્યાં પતરા ના તોતિંગ શેડ ઉડીને રોડ પર આવી ગયા હતા. જોકે સદભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. ડીસા અને પાલનપુરમાં અનેક ઠેકાણે હોર્ડીગ તૂટી પડ્યા હતા. ત્યારે ડીસાના ભોયણ પાસે ઈલેક્ટ્રીક લાઈન માર્ગ પર પડતા હાઇવે બ્લોક થઈ ગયો હતો. જેથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતી. જ્યારે ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. તેમજ ડીસા- જુનાડીસા પર પણ તોતિંગ ઝાડ તૂટી પડ્યા હતા. જેને લઈને પાટણના વાહન વ્યવહારને અસર પહોંચી હતી. જ્યારે ડીસા શહેરના બગીચા વિસ્તારમાં પણ હોર્ડિંગ્સ તૂટી પડતા એક રાહદારીને સામાન્ય ઈજા થઈ હતી.


બીજી તરફ વારંવાર ના કમોસમી માવઠાઓના કારણે ખેડૂતોએ પકવેલા પાકનો સોથ વળી ગયો હતો. અને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અત્યારે બાજરીના પાકની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે વાવાઝોડા ના કારણે બાજરીનો પાક આડો પડી વરસાદના પાણી ભેગો થઈ ગયો છે. જ્યારે કાપીને રાખેલી બાજરીના પાક ઉપર વરસાદ પડતા બાજરી કાળી પડવાની પણ દહેશત વર્તાઈ રહી છે. જેને લઈને ખેડૂતોને બાજરીનો પૂરતો ભાવ મળશે કે કેમ ? તેને લઈ ચિંતા પ્રસરી છે. આમ વારંવાર તથા માવઠાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

કરા સાથે વરસાદ પડ્યો પાલનપુર ના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે મોડી સાંજે વાવાઝોડા બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. અહીંની સમર્પણ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.

જુનાડીસા ગૌશાળામાં શેડ તૂટી પડ્યો

ડીસા નજીક આવેલ જુનાડીસા માં આવેલી રાધાકૃષ્ણ ગૌશાળા ને પણ વાવાઝોડાની અસર થઈ હતી. ભારે પવનથી ગૌશાળામાં ગાયો માટે બનાવવામાં આવેલો પતરા નો શેડ ધડાકા ભેર તૂટી પડ્યો. જેમાં કેટલીક ગાયો દબાઈ ગઈ હતી. જોકે આ ઘટના ના સમાચાર મળતા જ જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ગૌશાળા ખાતે દોડી ગયા હતા, અને પતરાં નીચે દબાયેલી ગાયોને બચાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. તેમજ ગૌશાળામાં ઉભા વૃક્ષ અને દિવાલ પણ ધરાશાયી થતા ગૌશાળાને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

* બનાસકાંઠા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ ? (મિમી માં)

  1. ડીસા. : 12
  2. દાંતા : 55
  3. વડગામ. : 52
  4. પાલનપુર : 26
  5. દાંતીવાડા : 19 
  6. અમીરગઢ  : 17

આ પણ વાંચો : સુરતમાં તાપી નદી કિનારેથી બે મૃતદેહ મળતા સ્થાનિકોમાં ફફડાટ

Back to top button