પાલનપુર : મકાઈની આડમાં દિયોદરના રૈયામાં કરાયેલું પોષડોડાનું વાવેતર ઝડપાયું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા રૈયા ગામની સીમમાં મકાઈના વાવેતર કરેલા ખેતરમાં તેની આડમાં પોષડોડાનું વાવેતર ઝડપાઈ ગયું હતું. પોલીસે આ કિસ્સામાં એક શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે વાવેતર ઝડપી એક શખ્સની કરી ધરપકડ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અફીણનો વપરાશ કેટલા ગામોમાં થતો હોય છે. ત્યારે દિયોદર તાલુકાના રૈયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોષડોડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતી એસ.ઓ.જી. ની ટીમને મળી હતી. જેને લઈને એસઓજી પોલીસે રૈયામાં તપાસ કરતા મકાઈની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થનું વાવેતર કરેલું મળી આવ્યું હતું. જેમાં રૈયા ગામના વાલા દેવશી પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ખેતરમાંથી પોલીસે રૂપિયા 1,62,000 ની કિંમતનો 16.200 કિલોગ્રામ પોષડોડા નો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે અફીણના છોડનું વાવેતર કરનાર વાલા પટેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : પાલનપુર : હોળી ધૂળેટીના તહેવારમાં રાજસ્થાની સિંધી ઘેવરની બોલબાલા