પાલનપુર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
બનાસકાંઠા, 28 માર્ચ 2024, પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતાં. ત્યાર બાદ આજે તેમને ફરીવાર કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે. કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો તેઓ દંડના ભરે તો એક વર્ષની સાદી કેદની સજાની પણ જોગવાઈ કરાઈ છે.સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસમાં યુકાદો આપવામાં આવ્યો છે.
રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યાનો આરોપ
1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા. દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો સંજીવ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં CID ક્રાઈમે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન PI આઇ. બી. વ્યાસની ધરપકડ કરી હતી. આખરે સેશન્સ કોર્ટે પૂર્વ IPS ને દોષિત જાહેર કર્યા છે.
1996ના ડ્રગ્સ કેસમાં છૂટકારો આપવાની અરજી ફગાવાઈ હતી
સંજીવ ભટ્ટે આ કેસમાં પોતાની તરફથી કેટલાક સાક્ષીને બોલાવવા માટે મંજૂરી માંગતી અરજી અગાઉ પાલનપુર કોર્ટમાં કરી હતી. પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી હતી. જેથી તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કહ્યું હતું કે, કાયદાનો દુરૂપયોગ કરનારાની અરજી સ્વીકારવા પાત્ર નથી.
સંજીવ ભટ્ટ 2015થી ફરજમુક્ત છે
સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના તેનો દૂરઉપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃક્ષત્રિયોઓની ચીમકીઃ ભાજપ રૂપાલાને નહીં બદલે તો વિરોધમાં મતદાન થશે