પાલનપુર : ડીસાના વેપારીને જમીનના પૈસા લઈ દસ્તાવેજ ન કરી આપતા ત્રણ સામે ફરિયાદ
પાલનપુર : ડીસાના બજારમાં ઇલેક્ટ્રિકલ્સની દુકાન ધરાવતા વેપારીએ ટેટોડા ખાતે જમીન વેચાણથી રાખ્યા બાદ પૈસા લઈ જમીનનો દસ્તાવેજ ન કરી આપતા વેપારીએ જમીન માલિક અને બે જમીન દલાલો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ ડીસા તાલુકાના પેછડાલ ગામના વતની અને હાલ ડીસાના નેમીનાથ નગરમાં રહેતા નિલેશકુમાર સુમેરમલ શાહ ડીસા ની જૂની કોર્ટ સામે મહાવીર ઈલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવે છે.તેઓને વર્ષ 2018 માં ટેટોડા મુકામે રહેતા અને જમીનની દલાલી કરતા રામજીભાઈ ગોવાભાઇ પટેલ અને જેરડા મુકામે રહેતા જમીન દલાલ ખેંગારભાઈ મફાભાઈ દેસાઈએ ડીસાના ટેટોડા ગામે રાજારામ ગૌશાળા ની સામે દેવાભાઈ સતાભાઈ ચૌધરીની રેવન્યુ સર્વે નંબર 856 ની આશરે 2.65.52 ચોરસ મીટર વાળી જમીન વેચવાની હોવાનું જણાવ્યું હતું. જેથી નિલેશભાઈએ જમીન જોઈને બંને જમીન દલાલોની રૂબરૂમાં દેવાભાઈ ચૌધરી સાથે રૂપિયા સાડા આઠ લાખમાં સોદો નક્કી કર્યો હતો.
જેમાં તેઓએ તારીખ 20-8-2018 ના રોજ તેઓની માતા કમળાબેન સુમેરમલ શાહ ના નામે સ્ટેમ્પ લઇ ડીસાની સબ રજીસ્ટર ઓફિસમાં બાનાખત નોંધણી કરાવી હતી. અને તેમની માતાના નામનો રૂપિયા 7 લાખનો ચેક પણ દેવાભાઈ ચૌધરીને આપ્યો હતો. જ્યારે બાકીની રકમ ત્રણ મહિના બાદ જમીનનો દસ્તાવેજ કરીને આપવાનું નક્કી કર્યું હતું .જેથી દેવાભાઈએ ₹7,00,000 નો ચેક બેંકમાંથી વટાવી લીધો હતો. ત્યારબાદ ત્રણ મહિના બાદ તેઓએ જમીન દલાલ ખેંગારભાઈ અને રામજીભાઈ ને જમીનનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા તેઓએ જ્યારે અમારી ઈચ્છા હશે ત્યારે દસ્તાવેજ કરી આપીશું અને તું ટેટોડા આવતો નહીં નહિતર તારા ટાંટિયા ભાગી નાખીશું તેમ કહી ધમકી આપી હતી તેમજ દસ્તાવેજ કરવા ખોટા ખોટા બહાના બતાવવા લાગેલા હતા.
જે દરમિયાન વેપારી નિલેશભાઈએ પોતે રાખેલ જમીનની તપાસ કરવા ટેટોડા જતા સ્થાનિક માણસો દ્વારા તેઓને જાણવા મળ્યું હતું કે તેઓએ જે રેવન્યુ સર્વે નંબર 856 વાળી જમીન રાખી છે તે ટેટોડા ગૌશાળા ની સામે નથી પરંતુ ગૌશાળા ની પાછળ આવેલી છે.આમ બંને જમીન દલાલો અને જમીન માલિકે તેઓને વેચાણ રાખેલ જગ્યા ની જગ્યાએ બીજી જમીન બતાવી તેઓને અંધારામાં રાખી તેમની માતાના નામનો ચેક વટાવી વિશ્વાસઘાત તેમજ ખેતરપિંડી કરી હોવાનું જણાતા તેઓએ આ બાબતે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ટેટોડા ગામના જમીન માલિક દેવાભાઈ સતાભાઈ કણબી ચૌધરી, ઝેરડા ગામના ખેંગારભાઈ મફાભાઈ દેસાઈ જમીન દલાલ, તેમજ
ટેટોડા ગામના જમીન દલાલ રામજીભાઈ ગોવાભાઇ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાલનપુર: ડીસાના આસેડા પાસે દાંતીવાડા કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યું