પાલનપુર: ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ મામલે દૂધ મંડળી અને સખી મંડળ સામે ફરિયાદ
પાલનપુર: ડીસા તાલુકાના ધાનપુરા ગામે દૂધ મંડળી અને સખી મંડળ દ્વારા 57 જેટલા શૌચાલય બનાવ્યા વગર નાણાં બારોબાર ચાઉં કરતા ડીસા તાલુકા વિકાસ અધિકારીએ દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી તેમજ સખીમંડળના લીડર અને ઉપલીડર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
57 જેટલા શૌચાલય બનાવ્યા વગર રકમ બારોબાર ચાઉં કરી
આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધાનપુરા ગામે સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત ગામના વી.પી.વાઘેલાએ કરી હતી. જે બાબતે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરતા 57 જેટલા શૌચાલયો બનાવ્યા વગર સરકારી નાણા નો બારોબાર ઉઠાંતરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવતા આવ્યું હતું.
જેથી તાલુકા વિકાસ અધિકારીએ શૌચાલય બનાવનાર ધી ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ અનામિકા સખી મંડળ રાણપુર ઉગમણાવાસ તાલુકો ડીસાને આ અંગે ખુલાસો કરવા નોટીસ આપી હતી. જેમાં સખી મંડળ અને દૂધ મંડળી દ્વારા એવો ખુલાસો કરાયો હતો કે, તેઓએ શૌચાલય બાંધકામની કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરને સોંપી હતી અને તેઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી નથી અને તેઓ બિલકુલ અજાણ છે. જેથી આ જવાબદારી શૌચાલય બનાવનાર કોન્ટ્રાકટર ની હોઈ તેની સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી તેમજ સખીમંડળના લીડર અને ઉપલિડર સામે નોંધાયો ફોજદારી ગુનો
જોકે તાલુકા વિકાસ અધિકારીએ તેઓનો આ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો કેમકે સરકારે કામગીરી અનામિકા સખી મંડળ અને ધાનપુરા દૂધ મંડળી ને સોંપી હતી અને શૌચાલયનું ચુકવણું પણ તેઓએ સ્વીકારેલ છે. જ્યારે શૌચાલય બનેલ ન હોવા છતાં તેનું ચુકવણું કર્યું છે તેમજ અનેક કિસ્સામાં એક જ નામે બે વાર ચૂકવવું કરેલું છે.આ ઉપરાંત કેટલાક લોકોએ સ્વખર્ચે શૌચાલય બનાવ્યા હોવા છતાં તેનું ચૂકવણું કરેલ છે.જેથી કુલ વસુલાત કરવા પાત્ર શૌચાલયોની સંખ્યા 57 છે. જેના રૂપિયા 11,000 લેખે વસુલાત કરવાની થાય છે.
ડીસા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ બાદ ફરિયાદ નોંધાવી
આમ ધાનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી રમેશભાઈ ડાયાભાઈ દેસાઈ, મંડળીના ચેરમેન મગનભાઈ મશરૂભાઈ દેસાઈ તેમજ અનામિકા સખી મંડળના લીડર દેવિકાબેન પાનાભાઈ પરમાર અને ઉપલિડર હંસાબેન મગનભાઈ વાઘેલા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સરકારી નાણા નો દુરુપયોગ કરી નાણાકીય નુકસાન કરેલ છે. જેથી તેઓની સામે ડીસા તાલુકા વિકાસ અધિકારી આર એન રજપૂતે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે : યુવરાજસિંહ જાડેજા