ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા નગરપાલિકામાં વારંવાર થતી ચોરી બાબતે કોર્પોરેટરની અરજી બાદ ફરિયાદ

પાલનપુર : ડીસા નગરપાલિકા હસ્તકના ચાર બોર પરથી વારંવાર થયેલી કેબલ ચોરી તેમજ પાલિકાના સ્ટોર વિભાગમાંથી સ્ટ્રીટ લાઈટની ચોરી બાબતે ચીફ ઓફિસર દ્વારા એક પણ વખત પોલીસ ફરિયાદ ન કરતા પાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરાયા બાદ ચીફ ઓફિસરે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વારંવાર ચોરી થતી હોવા છતાં ફરિયાદ ન નોંધાતા કોર્પોરેટરે પોતાની રજૂઆતમાં ચીફ ઓફિસર પણ મદદગાર હોવાનો આક્ષેપ કરી તેમની સામે પણ ફરિયાદ નોંધવા જણાવતા આખરે ચોરી બાબતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડીસા નગરપાલિકા હસ્તકના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત , એસ. સી. ડબલ્યુ હાઇસ્કુલ કમ્પાઉન્ડમાંથી એક વખત તેમજ રાજપુર વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત કેબલ વાયરની ચોરી થઈ હતી. આ ઉપરાંત ડીસા કોલેજ રોડ ઉપર લગાવેલ સ્ટ્રીટ લાઇટની પણ ચોરી થઈ હતી. આ બાબતે ડીસાના નગરજનો તેમજ ડીસા વોર્ડ નંબર 4 ના આમ આદમીના કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ વિજય દવેએ ચીફ ઓફિસરને વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરી આ ચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું. તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા એક પણ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. ચોરીની ફરિયાદ ન નોંધાતા ચોરોને જાણે મોકળુ મેદાન મળી રહ્યું હોય તેમ વારંવાર ચોરી કરતા હતા. જેથી કોર્પોરેટર વિજય દવેએ ચીફ ઓફિસરને આ ચોરી બાબતે લેખિત એફઆઈઆર કરવા રજૂઆત કરી તેમજ રજૂઆતમાં ચીફ ઓફિસર ફરિયાદ નહીં કરે તો પોતે પોલીસ ફરિયાદ કરશે અને ચીફ ઓફિસર પણ આ ચોરીમાં મદદગાર છે તેમ સમજી તેમની સામે પણ એફઆઇઆર નોંધાવવામાં આવશે તેવી રજૂઆત કરી હતી. તેના પગલે ડીસા પાલિકાના સિવિલ એન્જીનીયરએ ચોરી બાબતે અજાણ્યા ઇસમો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કોર્પોરેટર દવેએ આખરી રજૂઆત પત્ર લખ્યો હતો

ચોરીમાં મદદગારી ના આક્ષેપથી સીઓએ ફરિયાદ નોંધાવી ડીસા પાલિકા હસ્તકની મિલકતની વારંવાર ચોરી થતી હોવા અને તેની રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર ફરિયાદ ન નોંધાવતા કોર્પોરેટર વિજય દવે આખરી રજૂઆત પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસાની ખરીદેલી વસ્તુની ચોરી થતી હોવા છતાં ચીફ ઓફિસરે કોઈ કામગીરી કરેલ નથી અને તેઓની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયેલા છે તેમજ ચોરીની બાબત તેઓને જાણમાં હોવા છતાં કામગીરી ન કરી તેમાં મદદગાર હોય તે રીતે કાર્ય કરી રહ્યા હોવાથી જો 24 કલાકમાં ચોરી બાબતની ફરિયાદ પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો ચીફ ઓફિસર સામે પણ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી રજૂઆત પત્રમાં આપી હતી. જેથી ચીફ ઓફિસર વતી સિવિલ એન્જીનીયર એસ.કે.જાદવે તાત્કાલિક આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ડીસાનું ગૌરવ : જાણીતા બેડમિન્ટન ખેલાડી પંકજ માધવાણી નેશનલ ટુર્નામેન્ટ રમવા જશે ગોવા

Back to top button