પાલનપુર : દાંતીવાડા ફાયરીંગ રેન્જમાંથી છૂટેલી ગોળીઓએ ઘરોના પતરા વીંધ્યા
પાલનપુર: દાંતીવાડા ખાતે આવેલા ફાયરિંગ રેન્જમાંથી છૂટેલી બંદૂકની ગોળીઓ ખેતરોમાં રહેતા દરબાર ગઢના ખેડૂતોના ઘર છતના પતરા વીંધી રહી છે. જેને લઇ લોકોમાં જીવનું જોખમ ઊભું થતા ભય ફેલાયો છે.
મડાણા SRP કેમ્પના જવાનો દ્વારા કરાયેલા ફાયરીંગની ગોળીઓ દરબાર ગઢના ખેતરો સુધી પહોચી
દાંતીવાડા ગામથી ડેમ વિસ્તાર નજીક આવેલ બીએસએફના ફાયરિંગ રેન્જમાં બીએસએફ, પોલીસ તેમજ એસ.આર.પી. ના જવાનો વર્ષ દરમિયાન આ સેન્ટરમાં બીએસએફની મંજુરી મેળવ્યા બાદ ફાયરીંગ પ્રેક્ટિસ કરવા આવતા હોય છે. જેમાં કેટલાક જવાનો દ્વારા બંદૂકથી ફાયરીંગ કરી છોડાવવા આવેલી ગોળીઓ આજુબાજુ ખેતરોમાં તેમજ દાંતવાડાના દરબાર ગઢ સુધી પહોચી જતી હોય છે. ત્યારે અહીં મડાણા SRP કેમ્પના જવાનો દ્વારા કરવામાં આવેલાં ફાયરીંગની ત્રણ બંદૂકની ગોળીઓ દરબાર ગઢના ખેતરો સુધી પહોચી જતાં લોકોમાં પણ ડર ફેલાયો છે.
એકાએક ત્રણ ગોળીઓ ઘરમાં આવતાં પરિવારનો જીવ તાળવે ચોંટયો
મળતી માહિતી મુજબ ભિખસિહ પરબતસિહ વાઘેલાના ખેતરમાં બનાવેલા સિમેન્ટના પતરા વાળા ઘરમાં અચાનક ધડાધડ ત્રણ ગોળીઓ આવી પડતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અને એક ક્ષણ માટે તો શું કરવું તે પરિવારના સભ્યો વિચારવામાં પડી ગયા હતા. અગાઉ પણ આ સીમના અનેક ઘરોની છતો આ ગોળીઓથી વીંધાઈ ચૂકી છે. છતાં પણ વારંવાર ફાયરીંગ રેન્જમાંથી છૂટતી બંદૂકની ગોળીઓ ઘરો સુધી પહોંચતા આ આડેધડ ફાયરિંગ કરાવનાર જવાબદાર અધિકારી સામે પણ અનેક વેધક સવાલો ઉઠી રહ્યાં છે.
પોલીસે જાણ કરતા અમે તાત્કાલિક ફાયરીંગનું ડાયરેકસન બદલ્યું: ડીવાયએસપી
આ બાબતે મડાણા SRP કેમ્પના ડીવાયએસપી બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુરુવારે SRP ના જવાનો દ્વારા દાંતીવાડા ફાયરીંગ રેન્જમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું, બંદૂકની ગોળીઓ ખેતરો સૂધી પહોચી તેની મને જાણ નથી, પરંતુ એમને દાંતીવાડા પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા અમે તાત્કાલિક ફાયરીંગનું ડાયરેકસન બદલી દીધું છે. હવે આ બાબતની ખૂબ તકેદારી રાખવામાં આવશે.આ ફાયરીંગ રેન્જ બીએસએફનું છે અમે અહીં ફાયરીંગની મંજુરી બીએસએફ પાસેથી માગીએ છીએ, મંજુરી મળ્યા પછી ફાયરીંગ કરવામાં આવે છે.
આ બાબતને ગંભીરતાથી ધ્યાને લેવી જોઈએ : પૂર્વ સરપંચ
આ બાબતે દાંતીવાડા ગામના પૂર્વ સરપંચ રણજીતસિંહ દરબારે જણાવ્યુ હતું કે ગુરુવારે ફાયરીંગ રેન્જની ગોળીઓ દરબાર ગઢના ખેતર સુધી પહોચી છે. જેમાં ત્રણ ગોળીઓએ ખેડૂતના ઘરના પતરા વીંધી દીધા છે. જેનાં કારણે લોકોમાં પણ ભય ફેલાયો છે. અગાઉ પણ અહી એક બાળકીને પેટમાં ગોળી વાગવાની ઘટના બની હતી. તો બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક અહી આવતી બંદૂકની ગોળીઓ બંધ કરાવી આનું નિરાકરણ લાવવું જોઈએ.અહીં આવતી ગોળીઓથી લોકો સહિત પશુઓ પણ નુકસાન કરી શકે છે.
બે વર્ષ પહેલા અહીંથી છૂટેલી ગોળી બાળકીના પેટમાં વાગી હતી
અગાઉ 2020 ની સાલમાં પણ આ રેન્જ થી ફાયરીંગ દરમિયાન છૂટેલી બંદૂકની ગોળીથી ખેતરમાં રમતી દરબાર ગઢની બાળકીના પેટમાં ઘૂસી ગઈ હતી, જેને પહેલાં પાલનપુર ખાનગી દવાખાને લઈ જતાં જ્યાં ડોકટરે ઓપરેશન કરી પેટમાંથી બંદૂકની ગોળી કાઢી હતી.જોકે. ઓપરેશન બાદ બંદૂકની ગોળીની આડઅસરથી બાળકીના પેટમાં પરું થતા વધું સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ ખાતેની મોટી હોસ્પિલમાં ખસેડવાતા જટિલ ઓપરેશન બાદ માંડ માંડ આ માસૂમ બાળકીનો જીવ બચ્યો હતો.
આ પણ વાંચો :પાલનપુર :”નવા ગામની નવી ઓળખ”: 200 જેટલાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન