પાલનપુર : ડીસાના આસેડામાં બેંકનો લાંચિયા મેનેજર રૂ.10 હજાર ની લાંચ લેતા ફસાયો
પાલનપુર: ડીસા તાલુકાના આસેડા ગામમાં બરોડા- ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. જ્યાં એક લોન લેનાર અરજદારે પશુ નિભાવ માટે રૂપિયા દોઢ લાખની લોન લેવા માટે અરજી કરી હતી. ત્યારે આ લોન મંજુર કરવા માટે આ બેંકના મેનેજર જશવંતભાઈ બી. દવે એ અરજદાર પાસે લોન મંજૂર કરવા માટે રૂપિયા 10,000 ની લાંચની માંગણી કરી હતી. પરંતુ અરજદાર આ લાંચની રકમ આપવા માગતા ન હતા. જેથી તેમણે પાલનપુરની એન્ટી કરપ્શન ની કચેરીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન. એ. ચૌધરીએ બેંકમાં જ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં બેંકની અંદર જ બ્રાન્ચ મેનેજર જસવંતભાઈ દવે લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેથી એસીબીએ લાંચ ની રકમ કબજે લઈને બ્રાન્ચ મેનેજરની પણ અટકાયત કરી હતી. અને લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પશુ નિભાવની લોન મંજૂર કરવા મેનેજરે માગી હતી લાંચ
આ બ્રાન્ચ મેનેજરે અગાઉ આવી લોન મંજૂર કરવા માટે અગાઉ કેટલા લોકો પાસેથી લાંચ પેટે નાણા ગેરકાયદેસર રીતે વસૂલ્યા છે. તે અંગે પણ એસીબી ના અધિકારી વધુ તપાસ કરે તેવી શક્યતાઓ છે. જિલ્લામાં સરકારી કચેરીઓ અને બેંકોમાં આ રીતે ગેરકાયદેસર રીતે લાંચ માગનારા લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા તવાઈ આવી શકે છે. પરંતુ ફરિયાદીએ આ અંગે એસીબી કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.
આ પણ વાંચો :હનીટ્રેપ : કરોડોનો ખેલ કરનાર યુવતી કોણ અને કેમ હજી સુધી ફરિયાદ ન થઈ ?